www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦ત્રણ દિવસ પહેલા છાતીમાં ગભરામણ થતા સારવારમાં ખસેડાયો હતો: ગઈકાલે બાથરૂમ જવાના બહાને બહાર નીકળ્યા બાદ પોલીસ જવાનને ધકકો મારી ફરાર થયો’તો

સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીનો લાલપરી તળાવમાં ઝંપલાવી આપઘાત


♦વર્ષ 2014માં ભરણપોષણના ગુન્હામાં પાકા કામના કેદી તરીકે સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા અબ્દુલ કારવાએ પોલીસને ચકમો આપી નાસી છુટયા બાદ અંતિમ પગલુ ભરી લીધુ: સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી: પિતરાઈ ભાઈએ મૃતકની ઓળખ કરાવી

સાંજ સમાચાર

રાજકોટ તા.29
 ત્રણ દિવસ પહેલા છાતીમાં દુ:ખાવાની ફરીયાદ સાથે સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ થયેલા સેન્ટ્રલ જેલના પાકા કામનો કેદી પોલીસ જાપ્તાને ચકમો આપી નાસી છુટયા બાદ લાલપરી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢયો હતો.બાદમાં દોડી આવેલા મૃતકના પીતરાઈ ભાઈએ મૃતદેહની ઓળખ આપી હતી.

 બનાવ અંગે હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ. પ્રતિપાલસિંહ ચુડાસમાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.27/6ના તેમના વોટસએપ ગ્રુપમાં રાત્રીના ફરજ પર જવાની જાણકારી મળી હતી. જેમાં તા.28ના સવારે 8 વાગ્યાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેદી જાપ્તા ઉપર ગાર્ડ તરીકેની નોકરી આપેલ હતી.

 પ્રથમ સીફટમાં સવારના 8-20 વાગ્યાથી પોપટપરા સેન્ટ્રલ જેલનો આરોપી અબ્દુલ બાબુ કારવા રહે. ચામડીયાપરા ખાટકીવાસ, જુના જકાતનાકા મોરબી રોડ જે પાકાકામનો કેદી હોય જેની સમજ કરી પોપટપરા સેન્ટ્રલ જેલના પોલીસ કર્મચારી પાસેથી આરોપીના જાપ્તાનો ચાર્જ લીધેલ હતો તેઓ બપોરે 1 વાગ્યાથી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ નં.2માં આરોપીના જાપ્તામાં ગાર્ડ તરીકે ફરજ પર હતા.

દરમ્યાન સાંજના પોણા આઠ વાગ્યે આરોપી અબ્દુલે પોતાને બાથરૂમ જવાનું કહેતા તેના હાથમાં મારેલ હથકડી ખોલી તેને ઈમરજન્સી વોર્ડની બાજુમાં આવેલ બાથરૂમમાં લઈ ગયેલ હતા. ત્રણથી ચાર મીનીટ બાદ તેઓ બાથરૂમમાં જોવા ગયેલ ત્યારે આરોપી બાથરૂમમાંથી બહાર નીકળી તેમને અચાનક ધકકો મારતા તેઓ નીચે પડી જતા ગભરાઈ ગયેલ હતા. બાદમાં તેઓએ ખાટલા નં.4 પર જતા આરોપી અબ્દુલ જોવામાં આવેલ નહીં. અને વોર્ડમાં તેમજ લોબીમાં તપાસ કરતા ત્યાં પણ આરોપી દેખાઈ આવેલ ન હતો. જેથી કેદી તેમને ચકમો આપી નાસી છુટતા ફરીયાદ નોંધાવી હતી.

 બનાવ અંગેની જાણ થતા પ્ર.નગર પોલીસ, એલસીબી, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમે કેદીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમનું છેલ્લું પગેરૂ મોરબી રોડ પર જોવા મળ્યું હતું.

 દરમ્યાન આજે બપોરે લાલપરી તળાવ પાસે આવેલ મચ્છોમાંના મંદિર નજીક ચેકડેમમાં લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચેકડેમમાંથી તરતો મૃતદેહ બહાર કાઢી ફરાર થયેલા કેદીના પરિવારને જાણ કરતા તેમના પીતરાઈ ભાઈએ દોડી આવી મૃતકની ઓળખ આપી હતી. બનાવ અંગે વધુમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે કેદીએ પોલીસ જાપ્તામાંથી નાસી છુટયા બાદ લાલપરી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

♦મૃતક પર વર્ષ 2012માં ધોરાજી લગ્ન થયા બાદ 2014માં કોર્ટ કેસ થયો હતો
રાજકોટ તા.29
 ચામડીયાપરામાં રહેતા મૃતક અબ્દુલના પરીવારનોએ જણાવ્યું હતું કે તેમના વર્ષ 2012માં ધોરાજીમાં મુમતાજબેન વલીભાઈ લાખાણી સાથે લગ્ન થયા હતા. જે બાદ વર્ષ 2014માં બન્ને વચ્ચે ખટરાગ થતા તેમની પત્નિએ ધોરાજી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો.

જે બાદ તેમની ધરપકડ થયા બાદ જુનાગઢ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જયાં તેઓને હાર્ટએટેક આવતા કોર્ટ દ્વારા તેમને સારવાર માટે પેરોલ આપવામાં આવ્યા હતા. જે બાદ તે સારવાર સાથે ભાડે રીક્ષા ચલાવતો હતો. દરમ્યાન એક મહિના પહેલા ફરીથી તેમને રાજકોટ જીલ્લા જેલમાં ધકેલવામાં આવ્યો હતો. દરમ્યાન ત્રણ દિવસ પહેલા ફરીવાર તેને હાર્ટએટેકની અસર થતા છેલ્લે કંટાળીને પગલુ ભર્યાનું જણાવ્યું હતું. મૃતક બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો અને પરીવાર સાથે રહેતો હતો.

Print