www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામજોધપુરના હોથીજીખડબા ગામે કૂવામાં ખાબકેલા અજગરનું રેસ્કયુ કરાયું


વનવિભાગ દ્વારા રેસ્કયુબાદ 15 કિલોના છ ફૂટ લાંબા અજગરને પ્રકૃતિના ખોળે છોડી મૂકાયો

સાંજ સમાચાર

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર,તા.22
જામજોધપુરના હોથીજી ખડબા ગામે ખુલ્લા કુવામાં ખાબકેલા અજગરનું રેસ્કયુ કરી બહાર કાઢી પ્રકૃતિના ખોળે છોડી મૂકાયો હતો.આ અંગેની વિગતો એવી છે કે હોથીજી ખડબા ગામમાં એક ખેડૂતની વાડીમાં ગઈકાલે બપોર દરમિયાન એક ખુલ્લા કૂવામાં અજગર પડી ગયો હતો. આ અંગેની માહિતી જામજોધપુર વન વિભાગને મળી હતી. કુવો ઊંડો ઉતારતી વખતે અજગર તેમાં પડેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી જામજોધપુરના વન વિભાગના વનપાલ વાય.કે.જાડેજા, વનપાલ એમ.કે.કરમુર, વનરક્ષક રમેશભાઈ બડીયાવદરા, તથા વનરક્ષક ભગીરથભાઈ વાઢેર કે જેઓ તાબડતોબ હોથીજીખડબા ગામમાં પહોંચી ગયા હતાં.જયાં 80 ફુટ ઉંડા કૂવામાં દોરડા અને ટ્રોલી વગેરેની મદદથી નીચે ઉતરીને એકાદ કલાકની ભારે જહેમત લઈને કુવામાં પડી ગયેલા અજગરને સફળતાપૂર્વક રેસ્કયુ કરી લીધો હતો.

અંદાજે સાડા પાંચ થી છ ફુટ લાંબા અને 15 કિલો વજનના અજગરને એક પ્લાસ્ટિકના કોથળામાં રેસ્કયુ કરીને જામજોધપુરના સિદસર વિસ્તારમાં કે જયાં પાણી પર્યાપ્ત માત્રામાં હતું, તે સ્થળે પ્રકૃતિના ખોળે છોડી દીધો હતો. 

Print