www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કામોની લેખિતમાં ભલામણની વ્યવસ્થા વહેલી લાગુ કરવાની જરૂર હતી : નેહલ શુકલ


અધિકારીઓની જવાબદારી વ્હેલી ફિકસ થઇ શકી હોત : બંને પાંખની જવાબદારી કાગળ પર રહેશે : સ્ટે.કમીટીમાં દરખાસ્તના અભ્યાસનો સમય પણ રહેતો નથી!

સાંજ સમાચાર

રાજકોટ, તા.27

રાજકોટમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોને પ્રજાના કામો માટે અધિકારીઓ સાથે લેખિતમાં પત્ર વ્યવહાર કરવા  પ્રમુખે આપેલી સલાહના પડઘા વહીવટી પાંખ સુધી પણ પડયા છે અને કોર્પોરેટરો પહેલા જાણે કર્મચારીઓએ અમલવારી કરી હોય તેમ કામોની સૂચના લેખિતમાં આપો તેવું કહેવાનું શરૂ કરી દીધુ છે. તેવામાં ભાજપના વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલ શુકલએ આ પગલાને આવકારી, આવી વ્યવસ્થા વહેલા લાગુ કરી દેવામાં આવી હોત તો અધિકારીઓની જવાબદારી વહેલી ફિકસ થઇ હોત તેવું મંતવ્ય વ્યકત કર્યુ છે. 

આજે ભાજપના પદાધિકારીએ પ્રમુખના પત્ર મામલે કહ્યું હતું કે શહેર ભાજપ પ્રમુખે આ સૂચના વહેલી જાહેર કરવાની જરૂર હતી. મૌખિક ભલામણો કરતા લેખિત ભલામણો કરવામાં આવે તો કાગળ પર કાયદેસરના કામોની જ  ભલામણ આવશે. તેનાથી યોગ્ય ભલામણમાં લોકોના કામ ઝડપથી થશે. કોર્પોરેટરો પત્ર લખીને તેનો રેકોર્ડ રાખીને અધિકારીઓ પાસે કામની ઉઘરાણી કરી શકશે. બંને પાંખ આ રીતે જવાબદારીથી કામ કરી શકશે. લાગવગશાહીની વાત આમ પણ અસ્થાને હોય છે.
ટીઆરપી ગેમઝોનના બનાવ બાદ કાર્યવાહીમાં ઘણા સુધારા અને નિયમોની અમલવારી થઇ રહી છે. પરંતુ આગ કાંડ બાદ તંત્રએ સીલીંગની કાર્યવાહીમાં ઉતાવળ કરી છે. નિયમ મુજબ નોટીસ વગર એકમો સીલ કરી શકાતા નથી.

સ્ટે.કમીટીમાં કમિશનરની સહીથી દરખાસ્ત આવતી હોય છે. હવે નીચેના અધિકારીઓ પણ દરખાસ્ત મોકલતા પહેલા વધુ અભ્યાસ કરશે અને કમિશ્નર વધુ ગંભીરતાથી ચકાસણી કરશે. સ્ટે.કમીટીના સભ્યોએ પણ અભ્યાસ સાથે કામો મંજૂર કરવાના હોય છે. પરંતુ અનેક વખત સમયના અભાવે દરખાસ્તો મંજૂર કરી દેવામાં આવતી હોય છે. આ રીતે નેહલ શુકલએ વહીવટી તંત્ર અને શાસક પાંખ દ્વારા કરાતા અને કરવાના કામો અંગે ઘણા સૂચનો ધીમી ગતિએ કરી દીધા છે!

Print