www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સબ રજિસ્ટાર કચેરી પાસે વીજ થાંભલા ઉપર વૃક્ષ પડતા કામગીરી ખોરવાઈ


સવારે 9 વાગ્યા આસપાસ ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં ઘટના બની, તમામ દસ્તાવેજ નોંધવાની કામગીરી જિલ્લા નોંધણી ભવન ખાતે ટ્રાન્સફર કરાઈ હતી

સાંજ સમાચાર

►પીજીવીસીએલની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરતા દોઢેક કલાકમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરાયો હતો.

રાજકોટ,તા.28

શહેરના યાજ્ઞિક રોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં વૃક્ષ ધરાશાયી થઈ એક વીજ થાંભલા ઉપર પડતા થાંભલો ભાંગી ગયો હતો. અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.જેથી અહીં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામગીરી ખોરવાઈ ગઈ હતી.જો કે, પક્ષકારો અને વકીલોને હાલાકી ન પડે તે માટે દસ્તાવેજ નોંધણીની પ્રકિયા અન્ય નોંધણી કચેરીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બપોર બાદ અહીંની કચેરીમાં કામગીરી રાબેતા મુજબ શરૂ થઈ હતી.આ અંગે સબ રજિસ્ટ્રાર કચેરીના સૂત્રો અને વકીલો પાસેથી મળેલી વિગત મુજબ, સવારે 9 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં કાર્યરત સબરજિસ્ટાર કચેરી નં.3 (ઘંટેશ્ર્વર)અને નં.4 (રૈયા) પાસે એક વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું.વૃક્ષ વીજપોલ અને વીજ વાયરો ઉપર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વીજ પુરવઠો ઠપ્પ થતા તમામ કામગીરી અટકી પડે તેમ હતી. જેથી કચેરી 10.30 વાગ્યે કાર્યરત થાય તે પહેલા જ બપોર સુધીની તમામ દસ્તાવેજ નોંધણીના ટોકન જિલ્લા નોંધણી ભવન (જુની કલેકટર કચેરી પાસે) ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવેલ.આ તરફ પીજીવીસીએલના કર્મચારીઓએ દોડી આવી થાંભલો ભાંગી ગયો હતો તે બદલી નવો થાંભલો નાખવામાં આવ્યો હતો. વીજ વાયરો સરખા કરી અથવા જરૂર પડી ત્યા વીજ વાયરો બદલી વીજ પુરવઠો દોઢેક કલાકમાં જ ફરી પૂર્વવત કરાયો હતો.

અહીંના સબ રજિસ્ટાર ગોપાલભાઈ બરવાળીયાએ જણાવ્યું હતું કે, બનાવ કચેરી ખુલે તે પહેલા બન્યો હતો જેથી સદનશીબે કોઈ જાનહાની કે,કોઈને ઈજા થઈ નથી.પીજીવીસીએલના કર્મચારીઓએ પણ ખુબજ ઝડપથી કાર્યવાહી કરતા વીજ પુરવઠો ફરી શરૂ થઈ ગયો હતો. અહીં નોંધાયેલ તમામ ટોકન અન્ય કચેરીમાં ટ્રાન્સફર કરી દેવાતા વકીલો-પક્ષકારોને પણ હાલાકી પડી નહોતી બપોર બાદ અહીંની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી.

Print