www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોટી ખાવડીમાં રહેતી યુવતિએ પ્રેમલગ્ન કરવા ભાગવા માટે માતાને કોલ્ડ્રીંક્સમાં ઘેનનો પાવડર પીવડાવ્યો


ઉત્તરપ્રદેશના વતની પરિવારનો કિસ્સો: યુવતિના પિતા કરે છે પાણીપુરીનો વ્યવસાય: યુવતિના પિતાએ પુત્રી સહિત ત્રણ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

સાંજ સમાચાર

જામનગર તા.29: જામનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામે રહેતાં ઉત્તરપ્રદેશના પરિવારની દિકરીએ પ્રેમલગ્ન કરવા અર્થે કાવતરૂં રચી માતાને ઉંઘની ગોળીઓનો પાવડર કોલ્ડ્રીંક્સમાં ભેળવી સાડાત્રણ લાખની ચોરી કરી નાશી છૂટ્યાનું જાહેર થયું છે. આ અંગે ફરિયાદ બાદ પોલીસ દોડતી થઇ છે.

આ અંગેની જાણવા મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના મોટીખાવડી ગામે રહેતાં અને પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ ઉત્તરપ્રદેશના છોટેલાલ ઉર્ફે મૂળુભાઇ ગ્યાદીનભાઇ કુશ્વાહની દિકરી સહિત ત્રણ શખ્સોએ પ્રેમલગ્ન કરવા ધતીંગ રચ્યાનું સામે આવ્યું છે. છોટેલાલની પુત્રીએ પ્રેમલગ્ન કરવા અર્થે ભાગી જવા તેમની માતાને ઉંઘની ગોળીઓનો પાવડર કોલ્ડ્રીંક્સમાં ભેળવી પીવડાવી દીધો હતો.

ત્યારબાદ છોટેલાલના ઘરમાં રહેલ લોખંડની પેટીમાંથી 3,50,000 ની રકમની ચોરી કરી લીધી હતી. જે અંગે છોટેલાલે પોતાની પુત્રી તેમજ અંબુજ ઉર્ફે બીટુ પ્રદિપભાઇ ગુપ્તા (રહે.ઉત્તરપ્રદેશ) અને કપ્તાન ઠાકુરદાસ સાક્ય (રહે.ઉત્તરપ્રદેશ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ 120 (બી), 328, 380, 114 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ આ પ્રકરણની મેઘપર પોલીસે પીએસઆઇ બી.બી.કોડિયાતર વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

Print