www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આધારકાર્ડનો ડેટા ચોરી રાજકોટમાં ખાનગી કંપનીના મેનેજરના એકાઉન્ટમાંથી રૂા.1 લાખ ઉપાડી લીધા


યુનિવર્સિટી નજીક બ્લુ ડાયમંડ બિલ્ડીંગમાં રહેતા વિપુલભાઈ મહેતાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો

સાંજ સમાચાર

રાજકોટ, તા.29

સાયબર ગઠિયાએ આધારકાર્ડનો ડેટા ચોરી રાજકોટમાં ખાનગી કંપનીના મેનેજરના એકાઉન્ટમાંથી રૂ.1 લાખ ઉપાડી લીધા હતા. યુનિવર્સિટી નજીક બ્લુ ડાયમંડ બિલ્ડીંગમાં રહેતા વિપુલભાઈ મહેતાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. જે અંગે આગળની તપાસ શરૂ થઈ છે.

ફરિયાદી વિપુલભાઈ નટવરલાલ મહેતા (ઉં.વ.-પર, રહે.બ્લ્યુ ડાયમંડ પ્રિમીયર સ્કુલ પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, રાજકોટ)એ જણાવ્યું કે, હું મેટોડા ખાતે આવેલ સુપર ટેક કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે કામ કરૂ છું. મારુ સેવીંગ બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડા કાલાવડ રોફ બ્રાંચમાં છે. ગઈ તા.4/1/2024ના રોજ સાંજે હું મારા ઘરે હતો ત્યારે મારા મોબાઇલમાં મેસેજ આવેલ. જે જોતા ખ્યાલ આવ્યો કે, મારા બેંક ખાતામાંથી રૂ.10,000 ઉપડી ગયા છે. પછી મેં પાસબુકમાં એન્ટ્રી ચકાસતા તા.7/12/2023થી તા.4/1/2024 દરમિયાન જુદી જુદી તારીખે કટકે કટકે મારા એકાઉન્ટમાંથી રૂ.1 લાખ ઉપડી ગયા હતા. મેં બેંક મેનેજરને પુછતા તેને જણાવેલ કે, આધાર કાર્ડના ફિંગર અનલોકના કારણે રૂપિયા ઉપડેલ છે. મેં 1930 નંબર ઉપર સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. બેંક તરફથી જાણવા મળેલ કે, રૂપિયા શિશુપાલ (રહે. બિકાનેર રાજસ્થાન)ના ખાતામાં જમા થયા છે. દરમિયાન તા.2/2/2024ના રોજ મારા ખાતામાં 10 હજાર જમા થયા હતા. 

વધુમાં વિપુલભાઈએ જણાવેલ કે, આમ, કોઇએ અમારો આધાર કાર્ડ સંલગ્ન થંબ ઇમ્પ્રેશનનો ડેટા કોમ્પ્યુટર રીસોર્સ દ્વારા કોઇ જગ્યાએથી કોઇપણ અપ્રમાણીક રીતે મેળવી લઇ અમારા બેંક એકાઉન્ટ માંથી અમારી જાણ બહાર રૂ.90,000 ઉપાડી લઇ મારી સાથે ઠગાઈ કરેલ હોય તેની વિરુધ્ધ તેમજ આ સિવાય તપાસમાં ગુનાહીત પ્રવ્રુતિમાં સામેલ અન્ય લોકોના નામ ખુલે તે તમામ વિરુધ્ધ ધોરણસર થવા મેં ફરીયાદ કરી છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

►અગાઉ વકીલોમાં પણ દેકારો બોલી ગયેલો

સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી કાર્યવાહી વખતે વકીલો આધારકાર્ડ સાથે પોતાનું થમ્બ ઇમ્પ્રેશન પણ આપતા હોય અનેક વકીલોના ખાતામાંથી રૂપિયા ઉપડી જતા ઓનલાઈન છેતરપીંડી થઈ હતી. આ અંગે ગુનો પણ નોંધાયો હતો. વકીલોમાં દેકારો બોલી જતા એ પછી સબ રજીસ્ટાર કચેરીની પ્રક્રિયામાં ફેરફાર પણ થયેલો.

 

Print