www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘અમને ખબર ન હતી’; ગેમઝોનના ઉદઘાટનમાં જનારા અધિકારીઓનો આવો જવાબ સ્વીકાર્ય નથી: બધા ધ્યાનમાં છે!

સીટનો રીપોર્ટ છોડો - ફેકટ ફાઈન્ડીંગ કમીટી બનાવો: હાઈકોર્ટ આગબબુલા


ગેમ ઝોનની પહેલી ઈંટ મૂકાઈ ત્યારથી બધુ રેકર્ડ પર જોઈએ: મોટા માછલાઓનું શું છે એ કહો: કર્મચારીની બેદરકારી એ સંસ્થાની જ બેદરકારી છે..

સાંજ સમાચાર

અમદાવાદ,તા.14
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે વિવિધ શહેરોની કોર્પોરેશન અને નગરપાલિકાઓ પ્રત્યે ભયંકર નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ વેધક ટકોર કરી હતી કે, ‘રાજયમાં એક પછી એક જે રીતે મોરબી, હરણી અને હવે રાજકોટ ગેમ ઝોનની કારમી અને વ્યથિત કરનારી દુર્ઘટનાઓ ઘટી રહી છે, એના પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે મનપા અને નપા તેમની ફરજ બજાવવામાં સદંતર નિષ્ફળ છે.

રાજકોટ દુર્ઘટનામાં સીટના રિપોર્ટ ઉપરાંત ફેકટ ફાઈન્ડીંગ ઈન્કવાયરી કરી રિપોર્ટ રજુ કરવા પણ રાજય સરકારે હાઈકોર્ટને આદેશ કર્યો છે. સાથે જ રાજકોટ મામલે હાઈકોર્ટે એ વલણ પણ સ્પષ્ટ કર્યુ છે કે કોઈ પણ ઉચ્ચ અધિકારી જવાબદાર જણાશે તો એને છોડવામાં આવશે નહીં. આ કેસની વધુ સુનાવણી ચોથી જુલાઈના રોજ રાખવામાં આવી છે.

આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે ઉધડો લેતાં ટકોર કરી હતી તમામ ટોપ અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનના ઉદઘાટનમાં ગયા હતા, એ તમામ ટોપ અધિકારીઓ જશે; ચોકકસ જશે. સીટનું કામ તો દુર્ઘટનાના કારણોની તપાસ કરવાનું છે. પરંતુ દોષી અને જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ માટે ફેકટ ફાઈન્ડીંગ ઈન્કવાયરી જરૂરી છે. જેના પરથી એ સત્ય સુધી પહોંચી શકાય કે ગેમ ઝોન પાછળ કોની-કોની ભુલ હતી?

અમે એવું માનવા તૈયાર જ નથી કે ટીઆરપી ગેમ ઝોન વિશે અધિકારીઓને જાણ જ નહોતી. સીટના રિપોર્ટમાં જો એવું આવે કે કોઈને જાણ નહોતી તો અમે બધાને જોઈ લઈશું.’

ખંડપીઠે એવી ટીકા કરી હતી કે, ‘કમિશ્નર એવું ન કહી શકે કે તેને ખબર નહોતી. ગેમ ઝોનના બાંધકામ માટે પહેલી ઈંટ મુકાઈ કે પહેલો પીલર મુકાયો ત્યાંથી લઈને દુર્ઘટના સુધી શું થયું બધું અમને રેકોર્ડ પર જોઈએ. એ સિવાય કોઈના સોગંદનામા અમને જોઈશું નહીં. અર્બન ડેવલપમેન્ટ વિભાગના સચિવ ફેકટ ફાઈન્ડીંગ ઈન્કવાયરી કરે અને સમગ્ર ચિત્ર અમારી સમક્ષ મુકે. બે દિવસમાં તપાસ માટેની સમીતીનું ગઠન કરો અને 15 દિવસમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ આપો. અમે સીટના રિપોર્ટ માટે વાટ ન જોઈ શકીએ.

સચિવ એ પણ સુનિશ્ચિત કરે કે ફાયર સેફટીના કાયદા અમલવારી શું કરાયું હતું? તમામ ભુલ કરનારા અધિકારીઓના રિપોર્ટમાં નામ હોવા જોઈએ અને ખાતાકીય તપાસ બાદ તેમની જવાબદારી નકકી કરવામાં આવે. દોષિત અધિકારીઓની ભૂમિકા ફેકટ ફાઈન્ડીંગ તપાસ બાદ જ સામે જ આવશે.

શું સંબંધીત વિભાગ યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા કે નહીં? એ તમામ બાબતો સ્પષ્ટ કરવા ખાતાકીય તપાસ થવી જોઈએ. રાજયમાં જે કંઈ પણ દુર્ઘટનાઓ બની રહી છે એના માટે કોર્પોરેશનો જ જવાબદાર છે. આવી ઘટનાઓથી સાબીત થાય છે કે તેમનો વહીવટ પુરતો નથી અને કાયદાકીય જોગવાઈઓનો અમલ થતો નથી.

શા માટે રાજય સરકારનો અર્બન ડેવલપમેન્ટ વિભાગ ચૂપચાપ બેઠો છે? અર્બન ડેવલપમેન્ટ વિભાગે પોતાની જાતે જ તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવી જોઈએ. શા માટે અમારા આદેશની રાહ જોવામાં આવે છે. તમામ મ્યુ. કોર્પોરેશન જોડેથી બધા રેકોર્ડ મંગાવો અને ખાતાકીય તપાસ કરો.’

મોટા માછલાંનું શું?
ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલે અત્યંત આકરી ટકોર કરી હતી કે, ‘ફેકટ ફાઈન્ડીંગ કમીટીની તપાસ વિના તમે નાની નાની માછલીઓને પકડીને કાર્યવાહી કરો છો અને ખુશ થાવ છો. પરંતુ મોટાં માછલાઓ કયાં છે? જે ઉદઘાટનમાં ગયા હતા એ અધિકારીઓ સામે સરકારે શું કાર્યવાહી કરી? શા માટે તેમને પકડીને કાર્યવાહી કરતા નથી? તમે તો આ રીતે ગેમ ઝોનના સંચાલકોને હિંમત આપી હતી કે ગેરકાયદેસર બાંધકામ કરી શકે અને કોઈ પણ મંજુરી લેવાની એને જરૂર જ નથી.

એક પણ અધિકારીને છોડવામાં આવશે નહીં. આવી દુર્ઘટનાઓ માટે કોણ જવાબદાર છે એ સામે આવવું જ જોઈએ. આ કોઈ બાલીશ બાબત નથી પરંતુ સંપૂર્ણપણે આયોજીત ગુનાખોરી છે, જેમાં ગેરકાયદેસર રીતે સંપૂર્ણ બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું.’

અધિકારીઓને સજા કરો
હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘આ બધું કયાંય તો અટકવું જોઈએ અને એના માટે અધિકારીઓમાં ભય ઉભો કરવો જરૂરી છે કે અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે. જયાં સુધી એક કે બે અધિકારીઓને સજા નહીં કરો ત્યાં સુધી કંઈ નહીં થાય. તમે એક પણ અધિકારીને છોડી દેશો તો તમારી સંસ્થાઓ પણ ભાંગશે. તમે જે અધિકારીઓની સામે કાર્યવાહી કરી રહ્યા છો શું એ કમિશ્નરની નીચે આવતા નથી. કર્મચારીઓની બેદરકારી એ જે તે સંસ્થાની પણ બેદરકારી પણ છે.’

2-3 વર્ષે લોકો રાજકોટની ઘટના પણ ભુલી જશે
ખંડપીઠે એવી ટકોર પણ કરી હતી કે, ‘મોરબી દુર્ઘટના કોર્પોરેશનના અધિકારીઓની ભુલ સીધેસીધી દેખાય છે. આ દુર્ઘટનાઓ એક પછી એક બની રહી છે અને લોકો ભુલી જાય છે. બે-ત્રણ વર્ષ બાદ લોકો રાજકોટને ભુલી જશે અને દુર્ઘટનાઓ બનતી રહેશે.’

Print