www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરની હત્યા-ફાયરીંગમાં આરોપીઓ ફરાર : પોલીસે પાંચ ટીમો બનાવી


જુના ઝઘડાની અદાવતમાં બે સગા ભાઇ પર ત્રણ શખ્સોએ ફાયરીંગ કર્યુ : કુલદીપસિંહ ઝાલાનું મોત : પૂરા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર તા.14
ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી બે માળિયા પાસે ગઈકાલે ફાયરિંગ નો બનાવ બનત પોલીસ તંત્રમાં  દોડધામ મચી જવા પામી છે. બે સગા ભાઈ ઉપર ફાયરિંગ થતા એકનું મોત નિપજ્યું છે અને એકને હોસ્પિટલ ખસેડાયેલ છે. આજે સવાર સુધી આરોપીઓ ઝડપાયા ન હોવાનું પોલીસે જણાવ્ય હતું.

ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મારામારી જીવલેણ હુમલા અને ફાયરિંગના બનાવો વધી રહ્યા છે. હજુ અઠવાડિયા પહેલા જ ટ્રાફિક પોલીસના પુત્ર ઉપર ફાયરિંગ નો બનાવ બન્યા બાદ ગઈ કાલે  સાંજે બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગનો બનાવ બનતા શહેરમાં ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે.

ફાયરિંગ અને હત્યાના બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં વડલા વાળી શેરીમાં રહેતા બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉ.વ.25 અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉ.વ. 27 ઉપર ફાયરિંગ કરી ત્રણ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

ફાયરિંગના આ બનાવથી વિઠ્ઠલવાડી વિસ્તારમાં નાશ ભાગ પહોંચી જવા પામી હતી. બનાવવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.  આ બનાવમાં કુલદીપસિંહ ઝાલાનું મોત નિપજ્યું છે. જ્યારે ઋતુરાજસિંહને સારવાર માટે સર. ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

આ ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું છે અને બનાવ સ્થળ પરથી કાર્ટીસ મળી આવી છે. આ બનાવ અંગે મોડી રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મહિપતસિંહ મહાવીરસિંહ ઝાલાએ રાજુ બાબુ વેગડ, રાહુલ કમલેશ મકવાણા અને યસ ઉર્ફે બાલા ભાવેશ અલાણી નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

મરનાર યુવાન સાથે આરોપીઓને ઝઘડો થયો હતો જેની દાઝ રાખી ગઈકાલે તિક્ષ્ણ હથિયાર હુમલો અને ફાયરિંગ કર્યું હતું. મરનાર અને આરોપીઓ એક જ વિસ્તારમાં રહે છે.

દરમિયાન પોલીસે હત્યારાઓને ઝડપી લેવા એલસીબીની ત્રણ, એસઓજી ની એક અને નિલમબાગ પોલીસની એક વળી કુલ પાંચ ટીમ બનાવી છે. આજે સવાર સુધી આ બનાવનાર આરોપીઓ ઝડપાયા ન હોવાનું નીલમબાગ પોલીસ સ્ટેશનના ફરજ પરના પી.એસ.ઓ.એ જણાવ્યું હતું. ફાયરિંગ અને ખુન નો આ બનાવ ટોક ઓફ ટાઉન બની ગયો છે.

Print