www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં બાતમીના આધારે પોલીસે રિક્ષામાંથી 130 બોટલ દારૂ સાથે બે બુટલેગરોને દબોચ્યા, એકનું નામ ખુલતા શોધખોળ શરૂ


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.28     
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોડી રાત્રિના મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં જાહેરમાંથી પસાર થતી રીક્ષાને અટકાવીને તે રીક્ષાની તલાસી લેવામાં આવી હતી.ત્યારે રિક્ષામાંથી જુદીજુદી ત્રણ બ્રાન્ડની કુલ મળીને 130 બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી હાલમાં દારૂ, રીક્ષા અને મોબાઈલ મળીને રૂા.1.19 લાખની કિંમત સાથે બે બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે અને ધાંગધ્રાના એક ઇસમનું નામ ખુલતા હાલ તેની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા પાસેથી મળતી માહીતી મુજબ સ્ટાફના કિશનભાઇ મોટાણીને મળેલ બાતમીને આધારે તેઓએ તથા કિશનભાઇ મોટાણી દ્વારા મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી.જેમા મળેલ બાતમી આધારે રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1034 ને ચેક કરવામાં આવતા તેમાંથી વિસ્કીના 45 ચપલા, વોડકાની 11 બોટલો તેમજ અન્ય બ્રાન્ડની 74 બેઠકો તેમ કુલ મળીને 130 બોટલ દારૂ મળી આવ્યો હતો.

જેથી રૂા.14,045 ની કિંમતનો દારૂ તેમજ રૂપિયા એક લાખની કિંમતની રીક્ષા તથા રૂપિયા 5000 ની કિંમતનો એક મોબાઇલ એમ કુલ મળીને રૂા.1,19,045 ની કિંમતની મતા સાથે સ્થળ ઉપરથી અખતર ઉર્ફ અશરફ અલ્લારખા ઓઠા જાતે સંધી મુસ્લિમ (20) ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે.કુળદેવી પાન પાસે સામાકાંઠે મોરબી-2 મૂળ રહે.ધાંગધ્રા તેમજ સલીમ ગુલામહુસેન ભટ્ટી (40) રહે જોન્સનગર લાતી પ્લોટ પાસે મોરબી વાળાઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને "માલ" પહોંચાડનાર તરીકે અસલમ માલાણી રહે.મોચીવાડ ધાંગધ્રા વાળાનું નામ ખુલતા હાલ ત્રણેયની સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને અખતર ઓઠા અને સલીમ ભટ્ટીની ધરપકડ કરી અસલમની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
 

પ્રેમજીનગર ગામે મારામારી
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામની પાસે આવેલ પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક પક્ષેથી સંદીપ અનિલભાઇ સોલંકી (22) અને મયુર છગનભાઈ સોલંકી (24) બંને રહે.પ્રેમજીનગરને ઇજાઓ પહોંચી હતી જેથી તે બંનેને શહેરના સામાકાંઠે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે સામેના પક્ષેથી ડુંગરભાઇ હીરાભાઈ સોલંકી (85) અને કરશન પ્રેમજીભાઈ સોલંકી (25) રહે.બંને પ્રેમજીનગર વાળાઓને ઇજા થતાં તેમને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ બાબતે નોંધ કરીને મારામારીના કારણ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ હતી.
 

બાઈકમાંથી પડી જતા ઈજા
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિશ્ર્વકર્મા સોસાયટી વિસ્તારમાં રહેતા ધનજીભાઈ પુંજાભાઈ હડીયલ નામના 69 વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને જતા હતા.ત્યારે શનાળા રોડ સરદારબાગ પાસે આવેલ સત્યમ પાનવાળી શેરી સામે તેઓ બાઈક સહિત નીચે પડી ગયા હતા.જે અકસ્માત બનાવમાં તેમને ઈજા થતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના વાવડી રોડ ઉપર બન્યો હતો જ્યાં વાવડી રોડ મિલન પાર્ક સોસાયટીમાં રહેતા નાવીદ હનીફભાઈ મીનીવાડીયા નામના છ વર્ષના બાળકને ઇજાઓ પહોંચી હતી.નાવીદ સોસાયટીના ખુણા પાસેથી રસ્તો ઓળંગતો હતો.ત્યારે કોઈ બાઇક ચાલકે તેને હડફેટ લીધો હતો.જેથી ઇજા થતાં તેને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.આ બંને બાબતે હોસ્પિટલમાંથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

Print