www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અદાણી ગ્રુપે મેદાન માર્યું: બે દિ’માં 2.6 લાખ કરોડની કમાણી


આજે એક જ દિવસમાં માર્કેટ કેપમાં 1.4 લાખ કરોડથી વધુની વૃધ્ધિ: તમામ 10 કંપનીના શેરો 16 ટકા સુધી ઉછળ્યા

સાંજ સમાચાર

રાજકોટ, તા.3
લોકસભાની ચૂંટણીના પરિણામમાં ફરી પ્રચંડ બહુમતી સાથે મોદી સરકાર સત્તારૂઢ થવાના એક્ઝીટ પોલના વર્તારાને પગલે શેરબજારમાં આજે જોરદાર તેજી થઇ છે અને તેમાં અદાણી ગ્રુપ મેદાન મારી ગયું છે. આજે એક જ દિવસમાં અદાણી ગ્રુપમાં ઇન્વેસ્ટરોને 1.40 લાખ કરોડથી વધુની કમાણી થઇ છે. બે દિવસમાં ગ્રુપની કંપનીઓના માર્કેટકેપમાં 2.6 લાખ કરોડની વૃદ્ધિ છે.

ચૂંટણી એક્ઝીટ પોલના તારણોમાં ભાજપ-એનડીએને મોટી બહુમતી મળવાનું સુચવાયું છે. 400 બેઠકો પણ મળી શકવાનો વર્તાવો છે જેના આધારે આજે શરૂઆતથી જ માર્કેટમાં તેજીના જશ્નનો માહોલ સર્જાયો હતો. બેંક, પાવર, ઓટોમોબાઇલ્સ, સ્ટીલ, પીએસયૂ સહિત તમામ ક્ષેત્રોના શેરોમાં જબરદસ્ત તેજી જ છે છતાં સરકારની ગુડબુકમાં ગણાતા અદાણી ગ્રુપના શેરોમાં તેજી ધ્યાનાકર્ષક બની હતી. અદાણી ગ્રુપમાં 10 લીસ્ટેડ કંપનીઓ છે અને તે તમામના ભાવમાં છેલ્લા બે દિવસથી જોરદાર ઉછાળો છે.

અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં આજે બપોર સુધીમાં જ 1.4 લાખ કરોડનો વધારો થઇ ગયો હતો અને તે 19.24 લાખ કરોડે પહોંચ્યું હતું. ગત શુક્રવારે પણ અદાણી ગ્રુપના શેરો ઉછળ્યા હતા. બે દિવસની ગણતરી કરવામાં આવે તો માર્કેટ કેપમાં 2.6 લાખ કરોડનો વધારો નોંધાયો છે.

અદાણી ગ્રુપની લીસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી ગ્રુન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી સોલ્યુશન, એનડીટીવી, એસીસી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓના શેરો 16 ટકા સુધી ઉંચકાયા હતા.

અદાણી ગ્રુપની કંપનીઓ પૈકી અદાણી પાવરનો ભાવ છેલ્લા છ મહિનામાં ડબલ થઇ ગયો છે. ચાલુ નાણાં વર્ષમાં ગ્રુપનો નેટ નફો 55 ટકા વધીને 30768 કરોડ થયો છે. રેટીંગ એજન્સીઓએ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ તથા અદાણી એનર્જીનો ટારગેટ પ્રાઇઝ વધાર્યો છે.

 

Print