www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

NDRF બાદ SDRFની ટીમનો પણ પડાવ, ધોરાજીમાં 25 જવાનો સ્ટેન્ડબાય


ડીવાયએસપીની આગેવાનીમાં ટીમ તૈનાત: પુરની અસર થાય તેવા વિસ્તારોની લીધી મુલાકાત: એકલાયમેટાઈઝેશન કર્યું : જરૂર પડયે આર્મીની સ્કવોર્ડ પણ ઉતારાશે

સાંજ સમાચાર

રાજકોટ તા.1
 રાજકોટ શહેર-જિલ્લામાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે ત્યારે પુરપ્રકોપ અને વાવાઝોડાની સંભવીત સ્થિતિ સામે રાજકોટમાં અગાઉ એનડીઆરએફની ટીમ આવી પહોંચ્યા બાદ હવે એસડીઆરએફની ટીમના જવાનોએ પણ પડાવ નાખી દેતા એસડીઆરએફના 25 જવાનોને ધોરાજીમાં સ્ટેન્ડબાય મુકી દેવામાં આવેલ છે.
 

રાજકોટ જિલ્લા માટે અગાઉ રાહત બચાવના સાધનોથી સજજ એનડીઆરએફની ટીમ રાજકોટ આવી પહોંચતા તેને મોરબી રોડ પરના ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે તૈનાત રાખવામાં આવી છે. જે બાદ હવે એસડીઆરએફની ટીમના 25 જવાનો પણ આવી પહોંચતા તેને ધોરાજી ખાતે તૈનાત કરવામાં આવેલ છે.

 એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમના જવાનો દ્વારા પુરની અસર થાય તેવા તમામ વિસ્તારની મુલાકાત લઈ એકલાયમેટાઈઝેશન કયુર્ં હતું. આ વિસ્તારોની રૂબરૂ મુલાકાત આ બન્ને ટીમના જવાનો દ્વારા ડીવાયએસપીની આગેવાનીમાં લેવામાં આવી હતી. આ સંદર્ભે અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા જણાવાયું હતું કે ચાલુ ચોમાસા દરમ્યાન પુરપ્રકોપ અને વાવાઝોડાની સંભવીત સ્થિતિમાં આ બન્ને ટીમોના જવાનોની રાહત બચાવ કામગીરી કરવામાં આવશે. તેમજ જરૂર પડયે રાજકોટ જિલ્લા બહારના વિસ્તારોમાં પણ આ બન્ને ટીમના જવાનોને મોકલવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આર્મીની ટીમે પણ અગાઉ રાજકોટ આવી કલેકટર તંત્ર પાસેથી ડીઝાસ્ટર પ્લાન મેળવ્યો હતો. રાજકોટ જિલ્લામાં ચોમાસામાં જરૂર પડયે આર્મીની ટીમની પણ સેવા લેવામાં આવશે.

 અહી એ ઉલ્લેખનીય છે કે રાજયમાં હવામાન ખાતા દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, સુરત, નવસારી, સહિતના વિસ્તારોમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જયારે રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ સંજોગોમાં કલેકટર તંત્ર પણ એકશન મોડમાં આવી જવા પામેલ છે.

Print