www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોમવારે સૌરાષ્ટ્ર બાદ આજરોજ સુરત-ભરૂચ જિલ્લામાં મેઘાની પધરામણી


બન્ને જિલ્લામાં ધોધમાર વરસતા ખેડૂતોમાં ખૂશીની લહેર

સાંજ સમાચાર

અમદાવાદ,તા.18
ગુજરાતમાં ધીમા પગલે ચોમાસું પ્રવેશી રહ્યું છે. સોમવારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી હતી. સુરત, ભરૂચ સહિતના જિલ્લામાં ધોધમાર વરસતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ છવાઈ ગયો હતો.
સુરત જિલ્લામાં આવેલા પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ, કોસમડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વાવણીલાયક વરસાદ શરૂ થતાં જ જગતના તાતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
 

આજે આ જિલ્લામાં આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે  (18મી જૂન) જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.
19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

Print