www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કમિશ્નરની મુલાકાત બાદ ફરી પોપટપરા નાલુ ડુબ્યું: બંદોબસ્ત મુકાયો


સાંજ સમાચાર

રાજકોટમાં આજે વહેલી સવારે ધીમીધારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે ત્રણ દિવસમાં ફરી બીજી વખત રેલ્વે સ્ટેશન રોડથી આગળ આવેલું પોપટપરાનું નાલુ જળબંબાકાર થઇ ગયું હતું. પોપટપરા નાલાની પાણીના ભરાવાની સમસ્યાનો કોઇ ઉકેલ આજની તારીખે તો તંત્ર પાસે નથી.

વરસાદમાં સતત ફિલ્ડમાં રહેતા કમિશ્નર દેવાંગ દેસાઇએ પણ આ નાલાની મુલાકાત લઇને સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની મુલાકાતના બે દિવસ બાદ ફરી આજે સ્થળ પર આવી જ હાલત દેખાઇ હતી. સવારે અવર-જવર માટે આ પોપટપરા નાલુ બંધ કરવું પડ્યું હતું. કોઇ અકસ્માત ન થાય તે માટે તકેદારીરૂપે પોલીસે અહીં બંદોબસ્ત મુક્યો હતો.

ફરી પોપટપરા, રેલનગર, માધાપર ચોકડી તરફનો માર્ગ વિખુટો પડી ગયો હતો. બપોરે પાણી ઓસરતા માંડ વાહનો પસાર થતાં હતા. પરંતુ પાણીની આવક નાલામાં ચાલુ હતી! છેક માધાપર ચોકડીથી અહીં સુધી પાણી આવે છે. રેલવે સ્ટેશન તરફના રસ્તેથી પણ ઢાળમાં પાણી નાલામાં પહોંચે છે. આથી હવે મનપા અને રેલ્વે સાથે મળીને આ સમસ્યા ઉકેલે તે જરૂરી છે.         (તસ્વીર: દેવેન અમરેલીયા)

Print