www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આમ્રપાલી બ્રિજમાં વર્ટીકલ ગાર્ડનનો ધબડકો થયા બાદ ‘ફોલ્ડીંગ’ કુંડા પણ ઉતારી લેવાયા


નવા બ્રિજ માં હરીયાળુ ચિત્ર દેખાડવા મૂકાયેલા કુંડાના નટબોલ્ટ સડી ગયા: ગમે ત્યારે અકસ્માતનો ખતરો લાગતા ચૂપચાપ ટ્રેકટરમાં પ્લાન્ટ ભરી લેતું તંત્ર : શહેરના મોટાભાગના રાજમાર્ગો સુકાભઠ્ઠ જેવા

સાંજ સમાચાર

 રાજકોટ, તા. 22

રાજકોટમાં એક તરફ ગ્રીન કવર ઓછું હોવાની સ્થિતિ છે અને આ વર્ષે ઉનાળાની ગરમીએ લોકોને ત્રાસ છોડાવી દીધો છે ત્યારે શહેરની ભાગોળે અને વનમાં ભલે ઘનિષ્ઠ વનીકરણ ચાલતું હોય, પરંતુ શહેરની મધ્યમાં અને રાજમાર્ગો પર સિમેન્ટના જંગલો વચ્ચે લોકો દાઝી જાય તે રીતનો તાપ વરસી રહ્યો છે. અર્ધો ડઝન બ્રીજવાળો 1પ0 ફુટ રીંગ રોડ તો હરિયાળી વગર ભઠ્ઠાની જેમ તપતો જ હોય છે ત્યારે રૈયા રોડને જોડતા આમ્રપાલી બ્રીજમાં વર્ટીકલ ગાર્ડનનો  પ્લાન ફેઇલ થયા બાદ હવે બ્રીજની બંને તરફ મૂકવામાં આવેલા પ્લાન્ટના કુંડા પણ ઉખેડી લેવાની નોબત આવી છે. 

બ્રીજની સાઇડની દિવાલ પર મૂકવામાં આવેલા કુંડા ડેકોરેશન અને હરિયાળી માટે નટબોલ્ટથી ફીટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ બોલ્ટ સડી ગયા છે અને ચોમાસામાં કોઇ વાહન ચાલક પર અકસ્માતનો ખતરો ન સર્જાય તે માટે ઉતારી લેવાયાનું જાણવા મળ્યું છે. આમ્રપાલી બ્રીજના નિર્માણ સાથે રાજકોટની ફાટકની સૌથી મોટી પૈકીની એક સમસ્યા હલ થઇ હતી. અહીં અંડરબ્રીજ બનવાથી ટ્રાફિકમાં રાહત થઇ છે. જોકે ટ્રાફિક મેનેજમેન્ટમાં ખામીના કારણે સાંજના સમયે અવારનવાર કિસાનપરા ચોકમાં બ્રીજ અંદરથી વાહનોની લાઇન લાગી જાય છે તે પણ હકીકત છે.

આ નવા બ્રીજના પ્લાન સાથે અન્ય મહાનગરો જેવો વર્ટીકલ ગાર્ડનનો વિચાર કરવામાં આવ્યો હતો. ઇન્દોર જેવા શહેરમાં બ્રીજ કે અન્ય મિલ્કતોની દિવાલ પર હેંગીંગ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. આવો જ વર્ટીકલ ગાર્ડન આમ્રપાલી બ્રીજની દિવાલ પર બનાવવામાં આવ્યો હતો. પરંતુ સમય જતા જાળવણીના વાંકે અને વાતાવરણની પ્રતિકૂળતાના કારણે આ ગાર્ડન અને તેના ફુલ સુકાઇ ગયા હતા. હવે અહીં માત્ર દિવાલો રહી છે. 

દરમ્યાન બ્રીજમાં પ્રવેશતા બંને તરફ સર્વિસ રોડની ઉંચી દિવાલોની પાળી પર પ્લાન્ટના કુંડા મુકવામાં આવ્યા હતા. તે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા. અહીં નિયમિત પાણી પણ પીવડાવવામાં આવતું હતું. પરંતુ સમય જતા આ ફિકસ કરવામાં આવેલા કુંડાના નટબોલ્ટ કટાઇ ગયા છે. અમુક કુંડા રીતસર ધ્રુજવા લાગ્યા હતા જે અંગે કોઇએ મનપા અધિકારીઓનું ધ્યાન દોરતા સલામતી ખાતર બ્રીજની બંને તરફથી તમામ કુંડા બે દિવસ પહેલા ટ્રેકટરમાં ભરી જવામાં આવ્યા છે. ચોમાસામાં ભારે વરસાદ કે પવનના કારણે કોઇ કુંડુ ઉખડીને નીચેથી પસાર થતા વાહન ચાલક પર પડે તેવો ભય પણ સર્જાયો હતો. વજનદાર કુંડાથી નુકસાન પણ થાય તેમ હતું. આથી સલામતી માટે આ પગલુ લેવાયાનું ગાર્ડન શાખાએ જણાવ્યું હતું.  વરસાદ પહેલા આ કુંડા ઉતારી લેવા તંત્રને જરૂરી લાગ્યા છે જોકે અનિવાર્યતા, ક્ષમતા, વાતાવરણની અસર સહિતના અભ્યાસ વગર અગાઉ રેસકોર્સ ચોક સહિતના વિસ્તારમાં મોંઘા રેડીમેઇડ વૃક્ષો પણ મુકવામાં આવ્યા હતા જેનો નિકંદન નીકળી ગયું છે.

વીવીઆઇપીની મુલાકાત વખતે ડિવાઇડરમાં અનેક વખત ફોલ્ડીંગ વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. ડિવાઇડર અને સર્કલમાં નામ પુરતી ગ્રીનરી હોય છે. રૈયા રોડ, કાલાવડ રોડ, 150 ફુટ રોડ, સંત કબીર રોડ, પેડક રોડ, યાજ્ઞિક રોડ, કોર્પો.ને જોડતા ઢેબર રોડ પર કયાંય વૃક્ષારોપણ અભિયાનનું નામોનિશાન નથી. શહેરના ભાગોળે રામવન, પ્રદ્યુમન પાર્ક, ન્યારી ડેમ, નાકરાવાડી ખાતે મીયાંવાકી ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા છે. પરંતુ શહેરની મધ્યમાં જયાં લોકો રહે છે અને હજારો વાહનો અવરજવર કરે છે ત્યાં છાયડા કે વૃક્ષો રોપવામાં મનપા સફળ થતી નથી તે હકીકત છે. 

Print