www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાજપના નામે ભ્રષ્ટાચાર આચરી પોતાના ઘર ભરતા નેતાઓ સામે પણ તપાસની માંગણી : વારસદારો પણ ટીપી સ્કીમની મિટિંગમાં બેસવા લાગ્યા!

જેલમાં પૂર્વ ટીપીઓને મળનારા ભાજપના પૂર્વ ધારાસભ્યને પણ ફીટ કરો : કોંગ્રેસે બોંબ ફોડયો


મહાપાલિકામાં વર્ષોથી ટીપી સ્કીમ, કોન્ટ્રાકટ સહિતના કામોમાંથી મલાઇ તારવનારાની પણ તપાસની જરૂર : સ્કુટર વગરના લોકો બંગલા બનાવવા લાગ્યા : ગાયત્રીબા-અતુલ રાજાણીની સટાસટી

સાંજ સમાચાર

 રાજકોટ, તા.2
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસમાં અનેક મોટા ધડાકા ભડાકા થયા છે અને હજુ પણ તપાસ વચ્ચે કેટલાય માથાઓ ફૂટે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે મહાપાલિકામાં વર્ષોથી કર્તાહર્તા એવા ભાજપના  પૂર્વ ધારાસભ્યના પૂર્વ ટીપીઓ સાથેના અંગત સંબંધો સામે આંગળી ચીંધી છે.

જેલમાં રહેલા અને એસીબી તપાસનો સામનો કરતા અધિકારીને ભાજપના આ નેતા શા માટે મળવા ગયા હતા તેવો સવાલ કરીને તેમની પણ  તપાસ કરવા અને આવા નેતાઓની પણ તિજોરી ખોલવાની માંગણી વિપક્ષે કરી છે. 

ટીઆરપી અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયાની મિલ્કતમાંથી રોકડા અને સોનાનો જથ્થો મળતા તેમને જેલમા મળવા જનાર પૂર્વ ધારાસભ્ય, રા.મ્યુ.કો.માં સંકલન સમિતિના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારની પણ તપાસ કરવાની માંગણી પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કરી સવાલો ઉઠાવ્યા છે. 

કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે જેલમાં આ અધિકારીને મળવા ભાજપના મોટા નેતા ગયાની વાત જાહેર થઇ ગઇ છે. ચૂંટણી સમયે કિંગમેકરનો ખિતાબ લઇને ફરતા આ નેતા અને તેના પુત્રના વ્યવહારો પણ ચર્ચામાં આવ્યા છે. અગાઉ એક ટીપી સ્કીમમાં ભ્રષ્ટ ફેરફારોમાં આ નેતાના પુત્રએ મીટીંગો કર્યાનું બહાર આવ્યું હતું.

તેવામાં આ સીનીયર ગણાતા પૂર્વ ધારાસભ્યએ પૂર્વ ટીપીઓને જેલમાં મળીને શું ચર્ચા કરી, શું આશ્વાસન આપ્યું તેની પણ સરકારે તપાસ કરાવી, આવા લાગતાવળગતા ભાજપના તમામ નેતાઓ ઉપર તપાસની ગાજ વરસાવી જોઇએ તેવી માંગણી કરી છે.

બંને નેતાઓએ નિવેદનમાં જણાવ્યું છે કે, કેન્દ્રથી કોર્પોરેશન સુધી ભાજપનું શાસન છે અને એમાય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે ભાજપના ભ્રષ્ટાચારનો અખાડો. હાથમા એના મોમા એવા ઘાટ છે.  જગજાહેર છે કે કોર્પોરેશનમાં પાર્ટી સંકલન સમિતિમા શહેર ભાજપ પ્રમુખ, મેયર, સ્ટેન્ડિંગ સહિતના હોદ્દેદારો જ કરોડોના ઓનના કોન્ટ્રાકટ મંજુર કરવા નામંજુર કરવા વધારા નાણા ચુકવવા, ટીપીની મલાઈ દાર દરખાસ્ત ના પરામર્શ આપવા, ખંડ ફેરવી ખંડણી લેવી, રોડ રસ્તા ભુગર્ભ લાઈટ પાણી આરોગ્ય સફાઈ કચરાનો નિકાલ, સિટીબસ, સિક્યુરીટીમેન પાવરના કોન્ટ્રાકટ સહીત ના દરેક કામોમા ભાજપ સંકલનના નામે ચાર લોકો જ વેવાર વહીવટ કરતા હોય છે. 

આવા દરેક વહીવટદારો પોતાના નામે સગા સંબંધીઓ અને ટેકેદારોના નામે કરોડોની સંપત્તિ ધરાવે છે ખુલ્લેઆમ બંગલાઓ બનાવી રહ્યા છે જેની પાસે સ્કૂટર ન હતુ તેઓ હોદો મળતા જ આજે કરોડો મા આળોટે છે. આ શરમજનક ઘટનાક્રમ બાદ પણ આ અગ્નિકાંડ ના આરોપીઓ એવા રાજકોટ મનપાના કર્મચારી ને જેલમા શુ કામ મળી રહ્યા છે?

આવા ભાજપના નેતા પાસે પિડીત પરીવાર ને મળવાનો તેમને ન્યાય અપાવવા માટે નો સમય નથી ત્યારે રાજ્યની કહેવાતી ગતિશીલ ભાજપ સરકારે ભાજપ ના નામે ભ્રષ્ટાચાર આચરી પોતાના ઘર ભરતા વર્ષો થી રાજ કરતા આવા નેતાઓ સામે તપાસ એજન્સીઓને તપાસના આદેશ આપી તેમની તિજોરી ઓ ખોલી આવા અધિકારીઓ - પદાધીકારીઓ ની સાંઠગાંઠ રચી પ્રજાજનોના લૂંટેલા નાણા પાછા મેળવી તેમને પણ તેમના સાથી અધિકારીઓ સાથે જેલમા ધકેલવા જોઇએ તેવી માંગણી કોંગી નેતાઓએ કરી છે. 

 

Print