www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જયબર્ફાની બાબાના ગગનભેદી નાદ સાથે આજથી અમરનાથ યાત્રાનો શુભારંભ


◙ કઠિન ગણાતી અમરનાથ યાત્રા પાછળ શ્રધ્ધાળુઓની અનન્ય ભકિત સમાયેલી છે

સાંજ સમાચાર

◙ કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની: પૌરાણિક કથા શું છે?

અમરનાથ,તા.29
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈ પર અમરનાથ પર્વત પર અમરનાથ ગુફા છે. આ ગુફા દક્ષિણ કાશ્મીરમાં છે જે શ્રીનગરથી લગભગ 140 કિલોમીટરના અંતરે આવેલી છે.

આજથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને અમરનાથ શ્રાઈન બોર્ડ બાબા બર્ફાનીના ભક્તોના સ્વાગત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરથી પવિત્ર ગુફા સુધીના માર્ગમાં ઘણી જગ્યાએ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન ભોલેના ભક્તો માટે અનેક જગ્યાએ લંગરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દરમિયાન સરકારે અમરનાથ યાત્રાને લઈને વિશેષ માર્ગદર્શિકા પણ જારી કરી છે. પવિત્ર યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે આધાર કાર્ડ અથવા અન્ય કોઈપણ બાયોમેટ્રિક ઓળખ કાર્ડ સાથે લાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

અમરનાથ ધામનું શું મહત્વ છે?
આ વખતે અમરનાથ યાત્રા આજે 29 જૂનથી શરૂ થઈ છે. અને  રક્ષાબંધન સુધી ચાલશે. અમરનાથ ધામ જમ્મુ અને કાશ્મીરમાં હિમાલય પર્વતની ગોદમાં સ્થિત એક પવિત્ર ગુફા છે, જે હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે અમરનાથ સ્થિત પવિત્ર ગુફામાં ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં વિરાજમાન છે. બરફથી બનેલા શિવલિંગને કારણે તેને ’બાબા બર્ફાની’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે હજારો ભક્તો આ શિવલિંગના દર્શન કરવા આવે છે.

કેવી રીતે બને છે પવિત્ર શિવલિંગ?
અમરનાથ સ્થિત પવિત્ર ગુફા હિમાલયની ગોદમાં આવેલી છે. આ ગુફા ગ્લેશિયર્સ અને બરફીલા પહાડોથી ઘેરાયેલી છે. આ પવિત્ર ગુફા ઉનાળાની ઋતુમાં થોડા દિવસો સિવાય વર્ષના મોટા ભાગના સમય માટે બરફથી ઢંકાયેલી રહે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પવિત્ર ગુફામાં દર વર્ષે કુદરતી રીતે શિવલિંગનું નિર્માણ થાય છે.

વૈજ્ઞાનિકોના મતે ગુફાની ટોચ પર આવેલી તિરાડમાંથી પાણીના ટીપા ટપકતા હોય છે અને ત્યારબાદ શિવલિંગ બને છે. અતિશય ઠંડીના કારણે આ પાણીના ટીપા જામી જાય છે અને શિવલિંગના આકારમાં આકાર પામે છે. એવું માનવામાં આવે છે કે, આ શિવલિંગ ચંદ્રના પ્રકાશના આધારે વધે છે અને ઘટે છે.

પૌરાણિક કથા શું છે?
એક પૌરાણિક કથા છે કે એકવાર માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથ પાસેથી તેમના અમરત્વનું કારણ જાણવા માંગ્યું, ત્યારબાદ ભગવાન શિવે તેમને અમર કથા સાંભળવા કહ્યું. અમર કથા સાંભળવા માટે ઘણી જગ્યાઓ શોધ્યા પછી તેઓ અમરનાથ ગુફા પહોંચ્યા. આ ગુફામાં જતા પહેલા ભગવાન શંકરે નંદી, ચંદ્ર, શેષનાગ અને ભગવાન ગણેશને અલગ-અલગ જગ્યાએ છોડી દીધા હતા.

ભગવાને પણ ગુફાની આસપાસ રહેતા દરેક જીવોનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો જેથી કોઈ આ વાર્તા સાંભળી ન શકે. જ્યારે ભગવાન ભોલેનાથે આ વાર્તા સંભળાવી ત્યારે કબૂતરોની જોડીએ આ વાર્તા સાંભળી અને અમર થઈ ગઈ. અંતે, ભગવાન શિવ અને માતા પાર્વતી બરફના બનેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા.

ગુફા ક્યાં આવેલી છે?
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈ પર અમરનાથ પર્વત પર અમરનાથ ગુફા છે. આ ગુફા દક્ષિણ કાશ્મીરમાં છે જે શ્રીનગરથી લગભગ 140 કિલોમીટરના અંતરે આવેલી છે. આ પવિત્ર ગુફા પહેલગામથી લગભગ 45-48 કિલોમીટર અને બાલતાલથી લગભગ 16 કિલોમીટરના અંતરે આવેલી છે. 29મી જૂનથી યાત્રાનો પ્રારંભ થશે ત્યારે દરેક દિશા અને ગુફા સંકુલ બાબાના ગુણગાનથી ગુંજી ઉઠશે. 

 

Print