www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાશ્મીરમાં આર્મી કેમ્પ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ અમિર હમઝાની પાકિસ્તાનમાં હત્યા


પંજાબ પ્રાંતમાં અજાણ્યા બંદુકધારીઓએ મારમાર્યો: ભારત વિરોધી વધુ એક દુશ્મનનો જીવ ગયો

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.19
પાકિસ્તાનના પંજાબમાં સોમવારે મોડી રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ પાકિસ્તાની સેનાના નિવૃત બ્રિગેડિયર અને આઈએસઆઈના મહત્ત્વના વ્યક્તિ આમિર હમઝાની હત્યા કરી નાખી હતી. હમઝા ભારત વિરુદ્ધ આઈએસઆઈની આગેવાની હેઠળની કાર્યવાહીમાં સામેલ હોવાનું જાણીતો હતો. અને તે જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પર 2018માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં છ જવાન શહીદ થયા હતા. તેમજ 12 કરતા પણ વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

આ જ હુમલામાં સામેલ અન્ય એક આતંકવાદીની ગયા નવેમ્બરમાં  હત્યા કરવામાં આવી હતી. લશ્કરનો કમાન્ડર ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદ મુખ્ય કાવતરાખોર હતો. તેનું માથું પીઓકેમાં એલઓસી પાસે કપાયેલું મળી આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમઝાની પત્ની અને પુત્રી પણ તેની સાથે કારમાં હતા. અને તેને પણ ઈજાઓ થઈ હતી. પોલીસે કહ્યું છે કે માર્યા ગયેલા આઈએસઆઈ એજન્ટને કોઈની સાથે અંગત દુશ્મની નહોતી. પાકિસ્તાની પોલીસે આ એક ટાર્ગેટ કિલિંગ હોવાનું જણાવ્યું હતું.

આ હુમલો પંજાબના ઝેલમ જિલ્લામાં થયો હતો. હમઝાની કાર પર બે બાઈક પર સવાર ચાર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. કાર ઝેલમના લીલા ઇન્ટરચેન્જ પર પહોંચી હતી જ્યારે બે બાઇક પર સવાર ચાર લોકોએ તેને બંને બાજુથી ઘેરીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પાકિસ્તાન પોલીસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, ’અમે આ હત્યાની તપાસ કરી રહ્યા છીએ.’

નોંધનીય છે કે ભારતમાં આતંકવાદી હુમલા સાથે જોડાયેલા પાકિસ્તાની આતંકવાદીઓની સતત હત્યા થઈ રહી છે. અગાઉ એપ્રિલની શરૂઆતમાં, આમીર સરફરાઝને ઠાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અજાણ્યા લોકોએ ડિસેમ્બરમાં કરાચીમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અદનાન અહેમદ ઉર્ફે અબુ હંઝાલાની પણ હત્યા કરી હતી.

જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી શાહિદ લતીફ 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનાર ફિદાયીન ટુકડીનો મુખ્ય સંચાલક હતો. ઓક્ટોબરમાં સિયાલકોટની એક મસ્જિદમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

Print