www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાંકાનેરના કોઠી ગામે થયેલ જીવલેણ હુમલાના ગુનામાં એક આરોપીને 10 વર્ષની સજા


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 27 
વાંકાનેર તાલુકાના કોઠી ગામે વીસ વર્ષ પહેલા મારા મારીની ઘટના બની હતી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે એક આરોપીને 10 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે જો કે, સાત આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે. અને બે લાખનું વળતર ભોગ બનેલને ચૂકવવા માટેનો હુકમ કર્યો છે.

હાલમાં સરકારી વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ વર્ષ 2004 માં વાંકાનેરના કોઠી ગામે ફરિયાદી નાગજીભાઈ દેવાભાઇ ઉપર સતા લાખાભાઈ મુંધવા, મેઘા નોંઘાભાઈ મુંધવા, ખેતા ખેંગારભાઈ મુંધવા, રાઘવ ખેંગારભાઈ મુંધવા, સતા ખેંગારભાઈ મુંધવા, ગોવિંદ સામતભાઈ મુંધવા,બેચર ખેંગારભાઈ મુંધવા અને ગેલા લાખાભાઈ મુંધવાએ મંડળી રચીને જીવલેણ હુમલો કર્યો હતો.

ત્યારે આરોપી સતા લાખાભાઈ મુંધવાએ કુંડલી વાળી લાકડી અને ધારિયા વડે નાગજીભાઈને માર મારીને ઇજા કરી હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્યારે ગુનો નોંધાયો હતો. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં સરકારી વકીલ વિજયભાઈ જાની અને મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારિયાણીએ કરેલ દલીલોને તેમજ 31 દસ્તાવેજી અને 19 મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી સતા લાખાભાઈ મુંધવાને 10 વર્ષની સજા અને 9 હજારનો દંડ કર્યો છે.

જો કે, આ ગુનામાં કોર્ટે આરોપી મેઘા નોંઘાભાઈ મુંધવા, ખેતા ખેંગારભાઈ મુંધવા, રાઘવ ખેંગારભાઈ મુંધવા, સતા ખેંગારભાઈ મુંધવા, ગોવિંદ સામતભાઈ મુંધવા,બેચર ખેંગારભાઈ મુંધવા અને ગેલા લાખાભાઈ મુંધવાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે તેમજ ફરિયાદીને બે લાખનું વળતર તેમજ આરોપી દંડની રકમ ભારે તો તે પણ ફરિયાદીને આપવા માટેનો આદેશ કરેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, મારા મારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ હતી જે પૈકીનાં એક કેસમાં ગઇકાલે કોર્ટે ચુકાદો આપ્યો હતો જેમાં કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવોઓને ધ્યાને રાખીને 6 આરોપીઓને 10 વર્ષની સજા અને 1.20 લાખનો દંડ કર્યો છે. 

Print