www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મનપામાં ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ભુજના અનિલ મારૂને સોંપાયો ત્યાં ઇન્ચાર્જ ડે. ફાયર ઓફિસર ગઢવી રજા ઉપર!


હવે સીએફઓ પણ ટીપીઓની જેમ ઇન્ચાર્જ : 70થી વધુ અરજીઓનો નિકાલ તુરંતમાં થવાની આશા

સાંજ સમાચાર

રાજકોટ, તા. 29
રાજકોટ મહાપાલિકામાં ટીઆરપી ગેમઝોન આગ કાંડ બાદ બે મહત્વની શાખા ટાઉન પ્લાનીંગ અને ફાયર-ઇમરજન્સી શાખાના વડાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે જે રીતે ઇન્ચાર્જ ટીપીઓ મુકવામાં આવ્યા છે તે રીતે સરકારે ઇન્ચાર્જ ફાયર ઓફિસરની નિમણુંક પણ કરી છે. 

રાજકોટના રીજીયોનલ ફાયર સેન્ટરના ત્રણ વર્ષ ચાર્જ સંભાળનાર અને હાલ કચ્છ જિલ્લાના ચીફ ફાયર ઓફિસર તરીકે 10 વર્ષથી ફરજ બજાવતા મુળભુતના અનિલ બી. મારૂને રાજકોટ કોર્પોરેશનને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમનો ભુજનો વધારાનો હવાલો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ભુજના સ્ટેશન ફાયર ઓફિસર સચિન પરમારને સોંપવાનો હુકમ અધિક કલેકટર, પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા (રાજકોટ)એ કર્યો છે. 

હવે નવા ઈન્ચાર્જ ફાયર અધિકારી આવતા ફાયર એનઓસીની કામગીરી આગળ વધશે એમ માનવામાં આવે છે.  એનઓસી માટેની સ્કુલ સહિતની 60થી 70 અરજી પેન્ડીંગ છે. તેનો નિકાલ થવાની આશા છે. જોકે બીજી તરફ વર્ગ-2ના ડે.ફાયર ઓફિસરનો ચાર્જ જેમને સોંપવામાં આવ્યો છે તે વર્ગ-3ના કર્મચારી ગઢવી પખવાડીયાની મેડીકલ લીવ પર ગયા છે. તેમને તાત્કાલીક સારવારની જરૂર પડી છે. આમ વર્ગ-1ના ઇન્ચાર્જ અધિકારી હાજર થયા ત્યાં વર્ગ-2ના ઇન્ચાર્જ અધિકારી રજા પર ઉતરી ગયા છે.

Print