www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વધુ એક મોટી આગ દુર્ઘટના થતા અટકી ગઈ, રહેણાંક બિલ્ડીંગમાં ગેસ સિલિન્ડર સળગ્યો : અફરાતફરી મચી


મવડીના જીવરાજ પાર્કમાં આવેલ વ્રજવેલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલી ઓરડીમાં બનેલો બનાવ, ફાયર બ્રિગેડે તત્કાલ પહોંચી આગ બુઝાવી

સાંજ સમાચાર

ગેરકાયદે ગેસ સિલિન્ડર હોય, સ્થાનિકોએ પોતાની મેળે આગ બુઝાવા પ્રયત્ન કર્યો હતો પણ, વધુ વિકરાળ થતા ફાયર વિભાગમાં જાણ કરી’તી : ગેસનો બાટલો કબ્જે કરી બિલ્ડીંગના માલિકને નોટિસ ફટકારાઈ

રાજકોટ, તા.27
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં બનેલા અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો. આ પછી રાજકોટમાં વધુ એક મોટી આગ દુર્ઘટના થતા અટકી ગઈ છે. એક રહેણાંક બિલ્ડીંગમાં ગેસ સિલિન્ડર સળગ્યો હતો. જેથી અફરાતફારી મચી ગઈ હતી. મવડીના જીવરાજ પાર્કમાં આવેલ વ્રજવેલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલી ઓરડીમાં આ બનાવ બન્યો હતો. ગેરકાયદે ગેસ સિલિન્ડર હોય, સ્થાનિકોએ પોતાની મેળે આગ બુઝાવા પ્રયત્ન કર્યો હતો પણ, વધુ વિકરાળ થતા ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયર બ્રિગેડે તત્કાલ પહોંચી આગ બુઝાવી હતી. ગેસનો બાટલો કબ્જે કરી બિલ્ડીંગના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે.

રાજકોટમાં જીવરાજપાર્ક મેઈન રોડ નચિકેતા સ્કૂલની બાજુમાં અંબિકા ટાઉનશીપમાં આવેલ વ્રજવેલી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની ઓરડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. બનાવની જાણ ફાયરની ટીમને થતાં ફાયર સ્ટેશન ટીમ તુરંત દોડી ગઈ હતી. અને ઘટના સ્થળે પહોંચતા આગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની ઓરડીમાં પડેલ ગેસ સિલિન્ડરમાં લાગી હોવાનું માલુમ પડ્યું હતું. એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ફાયર એક્સ્ટીંગ્યુશર વડે આગ બુજાવાનો પ્રયાસ કરેલ હતો, પરંતુ આગ કાબૂમાં આવેલ ન હતી. જેથી મવડી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુમાં મેઓવ્યો હતો. આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ નથી. આ આગમાં મવડી ફાયર સ્ટેશન ટીમના પરેશભાઈ ચુડાસમા, અનિલભાઈ એલ સોલંકી, અજયભાઈ મકવાણા, ધ્રુવભાઈ સરવૈયા, હિતેશ ભાઈ, પ્રફુલ ભાઈએ જહેમત ઉઠાવી હતી.

ફાયર વિભાગે જણાવ્યા મુજબ, આ બનાવમાં ઇન્ચાર્જ ડે. સી.એફ.ઓ શ્રી ગઢવીની સૂચના મુજબ ગેસ સિલિન્ડર કબ્જે કરવામાં આવેલ. વ્રજવેલીના માલિક સંજયભાઈ ટાંકને ફાયર એક્સ્ટીંગ્યુશર દરેક માળે લગાવી બધાને ટ્રેનિંગ અપાવવા સૂચન કરેલ હતી. અને નોટિસ પણ આપવામાં આવી હતી.

 

Print