www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

RAJKOT : માધાપરમાં ડીઆઇ પાઇપલાઇન માટે ખોદકામ બાદ કરાયેલા ગારા જેવા મેટલીંગ કામમાં વધુ એક સ્કૂલ બસ ફસાઇ ગઇ


કામ જરૂરી પણ ખુલ્લા જોખમ માટે કોની જવાબદારી? આવા કામમાં પણ પત્ર વ્યવહારનો આગ્રહ નહીં રાખો ને?

સાંજ સમાચાર

રાજકોટ, તા.27
શહેરના જુદા-જુદા વિસ્તારોમાં હાલ ડી.આઇ. પાઇપલાઇન નાંખવાની કામગીરી તથા ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ઉપરાંત પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી લોકો હેરાન થતા તાજેતરમાં સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે ખોદકામ તાત્કાલીક બંધ કરવા આદેશ આપ્યો હતો. પરંતુ કરાયેલા ખોદકામ ઉપર લેવલીંગ કરવામાં ન આવતા જોખમ યથાવત હોવાના દ્રશ્યો ચોમાસામાં દેખાવા લાગ્યા છે. 

માધાપર ચોકડી આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇનના મોટા કામ ચાલે છે. ગત વર્ષમાં કરોડોના કામ મંજૂર કરાયા હતા અને આ વર્ષે પણ નવા ભળેલા વિસ્તારો માટે મોટુ ભંડોળ રાખવામાં આવ્યું છે. ડીઆઇ પાઇપલાઇન બદલવાનું કામ લાંબા ગાળાનું છે અને ઘણુ અનિવાર્ય છે. આ નેટવર્ક પથરાઇ જાય એટલે પાણીના બગાડ સહિતના અનેક પ્રશ્ન હલ થાય તેમ છે. આથી જ મનપાની પ્રાથમિકતા રહેલી છે. પરંતુ ચોમાસાના કારણે આ કામ રોકવા પડે છે. 

દરમ્યાન આજે માધાપર વિસ્તારમાં ખોદકામમાં એક સ્કુલ બસ ફસાઇ ગઇ હતી. નોર્થસ્ટાર સ્કુલની બસ પાઇપલાઇન  પરના માટી અને મેટલમાં ફસાઇ ગઇ હતી. બસનું ટાયર અંદર ઉતરી ગયું હતું. જોકે સદભાગ્યે કોઇ દુર્ઘટના સર્જાય ન હતી. ચોમાસામાં આ કામ નાછૂટકે રોકવા પડયા છે. પરંતુ ખોદકામ બાદ કરવાના મેટલીંગ અને પાકા ફીલીંગ માટે પણ  અધિકારીઓ પુરૂ ધ્યાન આપે તે જરૂરી છે.

નહીં તો અકસ્માત થવાનો ભય રહેશે. અનેક વિસ્તારમાં નવા રોડ બન્યા બાદ પણ ખોદકામ થઇ જાય છે તે બાદ પાંચ-પાંચ વર્ષે પણ માંડ ડામર રોડનો વારો આવે છે. ખોદકામ બાદ કમ સે કમ લેવલીંગ કરવાની કામગીરી પણ જવાબદારીથી થવી જોઇએ.

(જોકે પ્રજાહિતના આવા કામ માટે તો કોર્પોરેટરો અને અધિકારીઓ પત્ર વ્યવહારનો આગ્રહ નહીં રાખે ને? નૈતિક જવાબદારી અને પગારનું વળતર પણ યાદ રાખીને ફરજ બજાવવી જોઇએ).

 

Print