www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કુવાડવા જીઆઈડીસી પાસેથી કારમાંથી દારૂના જથ્થા સાથે અરબાઝ શેખ ઝડપાયો


ક્રાઈમ બ્રાંચની ટીમે 168 બોટલ દારૂ, કાર સહીત રૂા.3.64 લાખનો મુદામાલ કબ્જે કર્યો: સુરેન્દ્રનગરથી દારૂ લઈ રાજકોટમાં પરમાર નામના શખ્સને આપવાનો હતો

સાંજ સમાચાર

રાજકોટ તા.27
રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા જીઆઈડીસી પાસે કારમાંથી દારૂની 168 બોટલ સાથે અરબાઝ શેખને ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લઈ રૂા.3.64 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. બુટલેગર સુરેન્દ્રનગર તરફથી દારૂ લઈ આવતો હોવાની કબુલાત આપી હતી.

દરોડાની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.સી.સાકરીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડકોન્સ્ટેબલ સંજય દાફડા, કોન્સ. વિજય મહેતા અને કુલદીપસિંહ જાડેજાને રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે એક કાર પસાર થવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે કુવાડવા જીઆઈડીસી પાસે વોચ ગોઠવી ત્યારે ત્યાંથી પસાર થયેલ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂની 168 બોટલ મળી આવતા કારચાલક અરબાઝ ઝાકીર શેખ ઉ.વ.25 રહે. આરએમસી કવાર્ટર, બ્લોક નં.36, પુષ્કરધામ મેઈન રોડને દબોચી રૂા.3.64 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પુછતાછમાં અરબાઝ શેખ સુરેન્દ્રનગર તરફથી દારૂ ભરીને આવતો હતો. દારૂના જથ્થામાંથી અડધો જથ્થો તેનો હતો તેમજ અડધો જથ્થો પરમાર નામના શખ્સને સપ્લાઈ કરવાનો હોવાની કબુલાત આપી હતી.ઉલ્લેખનીય છે કે દારૂ સાથે પકડાયેલ શખ્સ અગાઉ પણ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે.

Print