www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેટલાંક દિવસોથી પોલીસને સંડોવતા અપરાધો વધી રહ્યાની વડી અદાલતની ટીપ્પણી

પોલીસને ગુના કરવાની છુટ્ટ છે? હાઇકોર્ટનો આકરો સવાલ


ગુનેગાર પોલીસને છાવરવામાં આવે છે, પગલા તો ઠીક, ફરિયાદ પણ લેવાતી નથી: ‘આમ ન થવું જોઇએ’ કડક તાકિદ

સાંજ સમાચાર

અમદાવાદ, તા.13
કાયદાના રક્ષકો એવા પોલીસ દ્વારા જ થતા ગુનાઓના વધતી સંખ્યા અને તેમાં ગુનેગાર પોલીસને છાવરી લેવા સામે ગુજરાત હાઇકોર્ટે સખ્ત નારાજગી દર્શાવી છે અને આવા પોલીસને ગુના કરવાની છૂટ્ટ છે? તેવો સવાલ કર્યો હતો.

પાટણના પોલીસવડા આર.ડી. પટેલ તથા પોલીસ જવાનો સામે પગલા લેવાની અરજી પરની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નિર્જર દેસાઇએ એડીશ્નલ એડવોકેટ જનરલને એમ કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુનાખોરીમાં પોલીસ સામેલ હોય તેવા કેસોની સંખ્યા વધી રહ્યાનું ધ્યાનમાં આવ્યું છે.

આવા પોલીસ સામે કોઇ કેસ નોંધાતો નથી કે ફરિયાદો લેવાતી ન હોવાની અદાલતમાં અરજી થાય છે. આમ ન થવું જોઇએ. ચોક્કસ વર્ગને ગુનાખોરી સામે રક્ષણ મળતું હોવાના અને તેઓનો વાળ વાંકો થતો ન હોવાના ખોટા મેસેજ જાય છે.

અમદાવાદના શાકભાજીના ધંધાર્થી અતુલ પ્રજાપતિનું 1લી એપ્રિલે ચાર અજાણ્યા શખ્સોએ કરેલા અપહરણના કેસમાં સરકારનું ધ્યાન દોરતા હાઇકોર્ટે કહ્યું કે પાટણ એલસીબીની ઓળખ આપનારા આ શખ્સોએ પછી તેને કલોલ નજીક મુક્ત કર્યો હતો. પાટણના પોલીસ વડાએ ધમકીભર્યા કોલ કર્યાનું ફરિયાદીનું કહેવું છે. ફરિયાદીની ફરિયાદ લેવામાં આવી નથી.

અન્ય તંત્ર દ્વારા પણ ફરિયાદ પર લક્ષ્ય અપાયું નથી એટલે છેવટે તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે. હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે ગમે તેને ધમકી આપવાની, માર મારવાની, ખંડણી માંગવાની છુટ્ટ હોય તેવું પોલીસ માનવા લાગી છે. ગુનેગાર પોલીસ અધિકારીઓને છાવરવા માટે સામાન્ય લોકોની ફરિયાદ પણ સાંભળવામાં આવતી નથી.

આ ફરિયાદો કચરાપેટ્ટીમાં જ નાખી દેવાય છે. સરકારી વકીલે સ્વીકાર્યું કે સીનીયર પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ  સરકારનો 6 થી 7 અરજી મળી છે. જોઇન્ટ કમીશ્નરના સુપરવિઝન હેઠળ ડીસીપી મારફત તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

Print