www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાત્રે આખા શહેરમાં ફરી રેસકોર્ષમાં ગાંજો પીધો: બાદમાં ત્રિપુટીએ પાંચ લુંટને અંજામ આપ્યો


કુખ્યાત ચોર ત્રિપુટીએ રસ્તામાં જે મળે તેને છરી બતાવી લુંટી લેવાના ઈરાદે નીકળ્યા બાદ રિક્ષાચાલક, વેપારી અને શ્રમિકને લુંટયા: બાદમાં અન્ય બે લોકોને પણ નિશાન બનાવ્યા’તા: ઘરફોડ ચોરીનો રેકોર્ડ ક્રાઈમ બ્રાંચને આરોપી સુધી દોડી ગયો: ત્રિપુટીને મદદગારી કરનાર કોઠારીયા સોલ્વન્ટનો સમીર ઉર્ફે સમલાની શોધખોળ

સાંજ સમાચાર

રાજકોટ તા.21
બે દિવસ પહેલા શહેરમાં વહેલી પરોઢીયે અલગ અલગ પાંચ સ્થળોએ લુંટના બનાવો બનતા શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે લુંટને અંજામ આપનાર ત્રિપુટીને દબોચી રોકડા રૂપિયા 4500 અને સોનાના દાગીના સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. રેસકોર્ષમાં નશો કરી ત્રિપુટી લુંટને અંજામ આપવા શહેરમાં નીકળી હોવાની કબુલાત આપી હતી.

બનાવની વિગત મુજબ ગઈ તા.18ના પરોઢીયે દોઢસો ફુટ રીંગરોડ પર નાનામવા સર્કલથી ભીમનગર સર્કલ તરફ જતા શાસ્ત્રીનગર પાસે રિક્ષાચાલક કેતનભાઈ રાઘવજીભાઈ ગોહેલને બાઈકમાં ધસી આવેલ ત્રિપુટીએ રિક્ષાચાલકને ગળાના ભાગે છરી રાખી રૂા.20 હજારનો મોબાઈલ અને રોકડ, રૂા.3000ની લુંટ ચલાવી નાસી છુટયા હતા.

બાદમાં યાજ્ઞીકરોડ પર ડો.હોમી દસ્તુર માર્ગ પર શ્રમિક માનસીંગભાઈ કાળુભાઈ ઘોડ પોતાનું બાઈક લઈ જતા હતા ત્યારે ધસી આવેલ બાઈક સવાર ત્રિપુટીએ શ્રમિકને છરી બતાવી સોનાની બે કડી અને રોકડ રૂપિયા મળી રૂા.13500નો મુદામાલ લુંટી નાસી છુટયા હતા. જે બાદ મવડી બ્રિજ પાસે આરસીસી બેંકની સામે વેપારી કાનજીભાઈ ઠુમરને આંતરી રૂા.10 હજારની લુંટ ચલાવી નાસી છુટયા હતા.

જે બાદ ભક્તિનગર સ્ટેશન સર્કલ પાસેથી ચાલીને જતા એક વ્યક્તિ પાસેથી રૂા.1000 અને ગોંડલરોડ પર ચાલીને જતા એક વ્યક્તિ પાસેથી મોબાઈલની લુંટ ચલાવી નાસી છુટયાના બનાવ પોલીસ મથકે નોંધાયા હતા.

બનાવ અંગે શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર.ગોંડલીયા બે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન હેડકોન્સ્ટેબલ દીપક ચૌહાણ, કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડા અને ગોપાલ પાટીલને મળેલ ચોકકસ બાતમીના આધારે પાંચ લુંટના બનાવનો ભેદ ઉકેલી ભરત ઉર્ફે ભરતો પોપટ ડવ (ઉ.21) રહે. શીતળાધાર શેરી નં.29, કોઠારીયા સોલ્વન્ટ, રમીઝ ઉર્ફે બચો ઈમરાન જેસડીયા (ઉ.19) રહે. ગુરૂજીનગર આવાસ યોજના, સાધુ વાસવાણી રોડ, નિલેશ ઉર્ફે ભુરો ગોપાલ વાઘેલા (ઉ.21) કોઠારીયા સોલ્વન્ટ શીતળાધારને પકડી રોકડ અને સોનાના દાગીના મળી રૂા.16500નો મુદામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે લુંટ કરનાર ત્રણેય આરોપી રાતના સમયે આખા શહેરમાં ફર્યા હતા બાદમાં રેસકોર્ષમાં આવી ગાંજો પીધો હતો અને બાદમાં લુંટના ઈરાદે ફરીવાર શહેરમાં નીકળ્યા હતા અને છરીની અણીએ લુંટને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ પાસે ઘરફોડ ચોરીના આરોપીઓનો રેકોર્ડ હોવાથી ત્રિપુટીને પકડવામાં મદદગારી મળી હતી.

♦ત્રણેય આરોપીઓનો ઘરફોડ ચોરી, લુંટનો કુખ્યાત ઈતિહાસ
શહેરમાં છરીની અણીએ પાંચ લુંટને અંજામ આપનાર ત્રિપુટીનો કુખ્યાત ઈતિહાસ સામે આવ્યો છે જેમાં આરોપી ભરત ઉર્ફે ભરતા વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ઘરફોડ ચોરી, જુગાર, દારૂ, લુંટ સહિતના ગુન્હા નોંધાયેલા છે જયારે નિલેશ ઉર્ફે ભુરી પર ઘરફોડ ચોરી, લુંટ સહિતના પાંચ જેટલા ગુન્હા અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે તેમજ રમીઝ ઉર્ફે બચા વિરુદ્ધ એક વાહન ચોરીનો ગુન્હો નોંધાયેલ છે.

Print