www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલાવડના રામપર રવેશિયા ગામે આધેડ ખેડૂતની હત્યાનો પ્રયાસ


સાંજ સમાચાર

જામનગર તા.15

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રામપર રવેશિયા ગામે ખેડૂત આધેડનો હત્યાના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. જેને પગલે ચકચાર મચી છે. સરપંચ પદની ચૂંટણીના મનદુ:ખનો ખાર રાખીને ખેડૂત આધેડ પર કુહાડી વડે હુમલો કરાયો હતો. જેને પગલે ઇજાગ્રસ્ત ખેડૂત બેશુદ્ધ થઈ જતા મૃત્યુ પામ્યા હોવાનું સમજીને આરોપી ભાગી છૂટ્યો હતો. આ પ્રકરણની ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ બનાવી છે.

વિગત અનુસાર આજથી આશરે બે વર્ષ પહેલાં રામપર રવેચીયા ગામે રહેતા મોહનભાઈ પુંજાભાઈ ચીખલીયા નામના 62 વર્ષેય વૃદ્ધના ગામ ખાતે સરપંચની ચૂંટણી યોજાઈ રહી હતી અને તેમાં મોહનભાઈના દીકરા સુનિલભાઈ ચૂંટણીમાં ઊભા હતા. તે વખતે ચૂંટણીમાં સુનિલભાઈ વિરૂદ્ધ આરોપી ગુલમામદ ઓસમાણભાઈ સમા કામગીરી કરતો હોવાથી બંનેના પરિજનોને માથાકૂટ થતી હતી.

જેને લઇને બંને વચ્ચે મનદુખ ચાલતુ હતું. આ બાબતનો ખાર રાખીને ગઇકાલે તા.14/06/2024 ના સવાર ના આશરે છયેક વાગ્યાના સુમારેમોહનભાઈ પુંજાભાઈ ચીખલીયા પોતાના ગામમાં આવેલ ચારણ નેસ ખાતે પોતાનું બાઈક લઇને દુધ લેવા માટે જતા હતા. ત્યારે આરોપી રસ્તામા સામે મળ્યો હતો અને ત્યારે અગાઉથી આયોજન કરી આવેલ આરોપી ગુલમામદે કુહાડી વડે હુમલો કર્યો હતો.

આરોપી કુહાડી વડે તૂટી પડતા આધેડ બાઈક પરથી જમીન પર પટકાયા હતા. જેને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપીએ કુહાડીનો ઘા માથા પાછળના ભાગે તેમજ બંને હાથ તેમજ બંને પગના ભાગે ઝીંક્યા હતા. આ ઉપરાંત બેફામ ગાળો પણ ભાંડી હતી. જેને લઈને મોહનભાઈ બેભાન થઈ જતા તેનું મોત થઈ ગયું હોય તેવું સમજી આરોપી ત્યાંથી ભાગી છૂટયો હતો.

જે મામલે જાણ થતા મોહનભાઈ ચીખલીયા ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આ દરમિયાન કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મોહનભાઈએ આરોપી ગુલમામદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Print