www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભા ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ શરૂ કરતો ભાજપ

યુપીના પરિણામથી ભાજપ આઘાતમાં: અનેક બૂથમાં 10 મત પણ નથી મળ્યા


♦સેંકડો બૂથમાં ભાજપના મત 100થી ઓછા: આંતરિક ધમાસાણ: મુખ્યમંત્રી યોગી સામે આંગળી ચિંધાવા લાગી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.6
લોકસભા ચૂંટણીમાં એકલા હાથે બહુમતી નહીં મળી શકતા ભાજપના આંતરિક સન્નાટો છે જ. ખાસ કરીને ઉત્તર પ્રદેશના નબળા પરિણામોએ નેતાગીરીને સ્તબ્ધ કરી નાખી છે. ચૂંટણી પરિણામોના વિશ્લેષણમાં એવું તારણ નીકળ્યું છે કે ભાજપે 2019માં જીતેલી 92 બેઠકો ગુમાવી છે ત્યારે ગત વખતે હારેલી 32 બેઠકો પર જીત મેળવી છે. ભાજપને કુલ 60 બેઠકનું નુકશાન થયું છે.

લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપને 240 બેઠકો જ મળી શકી છે. બહુમતી માટે જરૂરી 272નો આંક મેળવી શકાયો નથી. 2014માં ભાજપે એકલા હાથે 282 તથા 2019માં 303 બેઠકો જીતી હતી.

એટલે સાથીપક્ષોનું સમર્થન ન મળે તો પણ સરકાર ચલાવવામાં કોઇ અવરોધ નહતો. કોઇપણ દબાણ વિના સ્વતંત્ર રીતે સરકાર ચલાવી શકતો હતો. આ વખતે સાથી પક્ષોના સહારે સરકાર ચલાવી પડે તેમ હોવાથી સતત દબાણ રહેવાનું મનાય જ છે. ભાજપને સૌથી વધુ ઝટકો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા હરિયાણામાં લાગ્યા હતા અને તેના આઘાતમાંથી ભાજપ હજુ બહાર નીકળી શક્યો નથી. વિસ્તૃત પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવાયું જ છે.

રાષ્ટ્રીય સ્તરે વિશ્લેષણ કરવામાં આવે તો ભાજપે 2019માં જીતેલી 92 બેઠકો ગુમાવી છે. જ્યારે આ વખતે 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં 32 અન્ય હારેલી બેઠકો પર વિજય મેળવ્યો છે. 2019ની 303માંથી 208 બેઠકો ભાજપે જાળવી રાખી છે. પાર્ટીએ 303 પૈકીની ત્રણ બેઠકો જેડીયુ, જનતા દળ તથા રાષ્ટ્રીય લોકદળને ફાળવી હતી તેમાં પણ આ પક્ષો જીત્યા હતા. 2019માં પરાજય થયો હતો તેવી 32 બેઠકોમાં વિજયના આધારે ભાજપની કુલ બેઠકો 240 પર પહોંચી શકી હતી.

ભાજપનું સૌથી મોટુ ધોવાણ ઉત્તર પ્રદેશમાં છે જ્યાં 2019 કરતા અર્ધી બેઠકો જ મળી છે. રાજ્યના કેટલાક મત વિસ્તારોમાં ભાજપને મળેલા મતના આંકડા નિહાળીને નેતાગીરીમાં પણ સોપો પડી ગયો છે.

રાજ્યના મેરઠ- વાયડ ક્ષેત્રના મતોના આંકડાકીય રીપોર્ટ નેતાગીરીને હચમચાવી છે. લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીના મતોની સરખામણીમાં 14100 મત ગુમાવ્યા છે પરંતુ આઘાતજનક બાબત એ છે કે 395માંથી 109 બૂથોમાં ભાજપને પુરા 100 મત પણ મળ્યા ન હતા અને અમુક બૂથોમાં તો 10 મત પણ મળ્યા નહતા.

♦યુપીમાં છ બેઠકો પર એકંદરે કોંગ્રેસ ખુબ
 જ નજીવી સરસાઇથી હારી

♦01 એક દાયકા બાદ સુધીમાં કોંગ્રેસના ચહેરા પર ખુશી

♦હવે કોંગ્રેસ પાસે પૂર્વથી પશ્ચિમ સુધીના સાંસદો છે

લખનૌ : યુપીમાં છેલ્લા એક દાયકાથી લોકસભા બેઠકો પર ખરાબ પ્રદર્શનનો સામનો કરી રહેલી કોંગ્રેસને આ વખતે સંતોષકારક પરિણામો મળ્યા છે. જયારે પાર્ટીને છ લોકસભા બેઠકો પર સફળતા મળી છે. જયારે છ અન્ય બેઠકો પર નજીવી સરસાઇથી હારી ગઇ છે. સપા સાથે ગઠબંધન કરીને કોંગ્રેસે યુપીમાં કુલ 17 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

કોંગ્રેસે અમેઠી, રાયબરેલી, બારાબંકી, સીતાપુર, સરાહનપુર અને અલ્હાબાદ લોકસભા બેઠકો જીતી છે. 

અમેઠીમાં કોંગ્રેસના કિશોરીલાલ શર્માએ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને 167196 મતોથી હરાવ્યા, રાયબરેલીમાં રાહુલ ગાંધીએ ભાજપના ઉમેદવાર અને રાજયના કેબીનેટ મંત્રી દિનેશ પ્રતાપસિંહને 390030 મતોથી હરાવ્યા, બારાબંકીમાં તનુજ પુનિયાએ ભાજપના ઉમેદવાર રાજરાની રાવતને 215704 મતે હરાવ્યા.

ઉત્તર પ્રદેશમાં સીતાપુરમાં રાકેશ રાઠોડે ભાજપના ઉમેદવાર રાજેશ વર્માને 89641 મતોથી હરાવ્યા,સહારનપુરમાં ઇમરાન મસુદે ભાજપના ઉમેદવાર રાઘવ લખન પાલને 64542 મતોથી અને અલ્હાબાદમાં કુંવર ઉજજવલ રમણસિંહ ભાજપના ઉમેદવાર નીરજ ત્રિપાઠીને 58795 મતોથી હરાવ્યા. જેમાં અમેઠી, રાયબરેલી અને પ્રયાગરાજ સીટ પર કોંગ્રેસની સફળતાનું વિશેષ મહત્વ છે. અમેઠીમાં પાર્ટીની જીતે રાજકીય જગતને પણ મોટો સંદેશ આપ્યો છે. આ જીવ સાથે કોંગ્રેસ પાર્ટી પાસે હવે ઉતર પ્રદેશમાં પૂર્વથી પશ્ચિમ સુધીના સાંસદો છે. 

♦કોંગ્રેસ છ બેઠકો પર  45 હજાર મતથી હારી!!
કોંગ્રેસને ચૂંટણીમાં યુપીની છ બેઠકો પર સફળતા મળી હતી જયારે છ બેઠકો પર તેને 45 હજારથી ઓછા મતથી હારનો સામનો કરવો પડયો હતો. આ રીતે 17માંથી 12 સીટો પર તેનું પ્રદર્શન સારૂ રહ્યું. બાસગાંવ આરક્ષિત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સદલ પ્રસાદને માત્ર 3150 મતોથી હારનો સામનો કરવો પડયો હતો. કાનપુરથી કોંગ્રેસના ઉમેદવાર  આલોક મિશ્રાને 20968 મતોથી હારનો સામનો કરવો પડયો હતો.

Print