www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચૂંટણી પરિણામ બાદ મંત્રીમંડળ અને સંગઠનમાં નવી ઉથલપાથલ


જૂનના અંત સુધીમાં ગુજરાતમાં મોટા ફેરફારો: મયંક નાયક, ઋત્વિજ પટેલ, ભરત બોઘરાને નવી જવાબદારી: મોઢવાડીયા, ચાવડાને મંત્રી મંડળમાં સ્થાનની તક

સાંજ સમાચાર

રાજકોટ / ગાંધીનગર,તા.22
લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. એવામાં નવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. જેમા ગુજરાતમાં સી આર પાટીલ પછી પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે હશે તે અંગે વાતો ચાલી રહી છે. લોકસભાના પરિણામ બાદ કેન્દ્રમાં નવી સરકારની રચના કરશે જેમાં આ વખતે  સી આર પાટીલ દિલ્લી દરબારમાં બેસે તેવી મોટી સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતમાં મંત્રીમંડળમાં પણ મોટા પાયે ફેરફારો આવશે તો ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં પણ અનેક બદલાવ આવશે. 

પાટિલ પછી કોણ : 
જો નવી લોકસભાની રચનામાં સી.આર.પાટીલ દિલ્લી દરબારમાં કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે છે તો ગુજરાતમાં તેમના સ્થાને કોણ હશે આ વાતે જોર પકડયું છે. ફરી એક વખત BJP ચોંકાવનાર ચહેરો મૂકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાય રહી છે. આ વખતે જાતીય સમીકરણના આધારે ભાજપ કોઈ ઘઇઈ સમાજનો ચહેરો લાવી શકે છે.

જો નામની વાત કરવામાં આવે તો દેવુસિંહ ચૌહાણ અને રમીલાબેન બારાનું નામ રેસમાં ચાલી રહ્યું છે. આ બે નામ સિવાય ભાજપના કેટલા સિનિયર નેતાઓના નામ પણ ખુલી શકે છે. ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચુંટાયા એવા મયંક નાયકનું નામ મોખરે છે.

તેઓ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલની લોકસભા ચૂંટણીમાં તેઓએ ગાંધીનગર બેઠક પર ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી હતી. તેઓને મહત્વની જવાબદારી અપાશે તેવું માનવામાં આવે છે. 

યુવા નેતાઓને સંગઠનમાં સ્થાન :
આ ઉપરાંત પ્રદેશ સંગઠનની વાત કરીએ તો યુવા નેતાઓને મળશે સ્થાન. રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવેને મહત્વનું સ્થાન મળશે તે નિશ્ચિત છે. ધવલ દવેએ હાલમાં જૂનાગઢમાં યોજાયેલ વડાપ્રધાનની સભામાં ખૂબ પીએમ મોદી પાસેથી પ્રશંસા મેળવી હતી અને આ ઉપરાંત અન્ય રાજ્યોની પણ જવાબદારી સોંપાઈ હતી. 

આ સાથે પૂર્વ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.ઋત્વિજ પટેલ અને હાલ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, ભરત ડાંગર સહિતના નેતાઓને મહત્વની જવાબદારી મળશે. 
મંત્રીમંડળમાં ફેરફાર થશે, જયેશ રાદડીયાનું કમબેક !

ચૂંટણી પરિણામો બાદ મંત્રીમંડળમાં ફેરફાર નિશ્ચિત માનવામાં આવે છે. લોકસભા સાથે પાંચ વિધાનસભા પર પેટા ચૂંટણી કરવામાં આવી હતી. પેટા ચૂંટણીમાં જીત મળે તો પોરબંદરમાંથી  અર્જુન મોઢવાડિયા અને વિજાપુર થી સી.જે.ચાવડા જે કોંગ્રેસ છોડી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે.

આ ઉપરાંત હાલમાં અનેક મંત્રીઓ બદલાશે. હાલ ઇફ્કોના ડાયરેકટર તરીકે ચૂંટાયેલા સૌરાષ્ટ્રમાં જયેશ રાદડીયાનો સમાવેશ થઈ શકે છે. ભાજપ અન્ય નામ અને ચહેરાઓમાં ગણિત સેટ કરશે. જ્ઞાતિ ગણિત અને પરફોર્મન્સના આધારે નામ નક્કી કરવામાં આવી શકે છે.

ભાજપ હમેશા સરપ્રાઇઝ આપતું હોય છે ત્યારે આગામી સંગઠનની રચના અને મંત્રી મંડળમાં ફેરફાર વખતે ચોંકાવનારા નામ આપે તો નવાઈ નહિ. 

 

Print