www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મક્કામાં ગરમીનો કાળો કેર: માર્ગો પર લૂ લાગવાથી મૃત્યુ પામેલા હજયાત્રીઓની લાશો: ટીકાથી સાઉદી સરકાર ઘેરાઇ


જોર્ડન, ઇરાનના હજયાત્રીઓ સહિત 22થી વધુનો ભોગ ભીષણ ગરમીએ લીધો: કાબા આસપાસ તાપમાન 50 ડિગ્રીને પાર: ગ્રાન્ડ મસ્જિદમાં ગરમીનો પારો 51.8 ડિગ્રીએ પહોંચ્યો

સાંજ સમાચાર

રિયાધ (સાઉદી અરબ), તા.18
સાઉદી અરબમાં થતી મુસ્લિમ બિરાદરોની દુનિયાની સૌથી મોટી ધાર્મિક યાત્રા હજ દરમિયાન ગરમીનો કહેર તુટી પડ્યો છે. હજ દરમિયાન ભીષણ ગરમીના કારણે આ વખતે 22 શ્રધ્ધાળુઓના મોત થયા છે. મૃતકોની લાશો રસ્તા પર રઝળતી જોવા મળી રહી છે.

મૃતકોની વધતી સંખ્યાને લઇને સાઉદી અરબની સરકારની હજયાત્રાની તૈયારીઓના દાવાની પોલ ખુલી ગઇ છે. હાલ પરિસ્થિતિ એ છે કે કાળઝાળ ગરમીમાં માર્ગો પર શ્રધ્ધાળુઓના શબ જોવા મળે છે. રવિવારે જોર્ડનની સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે હજ યાત્રાએ ગયેલા 14 શ્રધ્ધાળુઓના લૂ લાગવાથી મોત થયા છે. સાઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગરમી લાગવાના 2700 કેસ નોંધાયા છે.

એક વીડિયો પણ વાયરલ થયો છે જ્યાં માર્ગના ડિવાઇડર અને ફૂટપાથ પર અનેક શબ જોવા મળે છે. મિસરની 61 વર્ષીય હજયાત્રી અઝા હામિદ બ્રાહીમે જણાવ્યું હતું કે તેણે રસ્તા પર અનેક લાશો જોઇ છે એવું લાગતું હતું જાણે કયામત (પ્રલય) આવી ગયો હોય. મક્કામાં મોટી સંખ્યામાં શબોને જોઇ અવ્યવસ્થા મુદ્ે સોશ્યલ મીડિયા પર લોકો સાઉદી અરબ સરકારની ટિકા કરી રહ્યા છે. 

કાબા પાસે તાપમાન 50 ડિગ્રીને પાર
સાઉદી અરબના હવામાન વિભાગના જણાવ્યા મુજબ મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડીગ્રી સેલ્સીયસ પહોંચી ગયું હતું. આ જગ્યાએ હજયાત્રી કાબાની પરિક્રમા કરે છે. ગ્રાન્ડે મસ્જિદ પાસે સ્થિત મીનામાં તાપમાન 46 ડિગ્રી હતું. આ જગ્યાએ હજયાત્રીઓએ ત્રણ કોંક્રીટની દીવાલો પર શેતાનને પથ્થર મારવાની વિધિ કરી હતી. અહીં ગરમી અને ભીડની સ્થિતિને વિકટ બનાવી દીધી હતી. હજયાત્રાઓ ગરમીથી બચવા માથે પાણીની બોટલો રેડી રહ્યા હતાં.

અનેક દેશોએ મોતની પુષ્ટિ કરી
જોર્ડનના વિદેશ મંત્રાલયે 14 જોર્ડનની હજયાત્રીઓના ગરમીથી મોતની પુષ્ટિ કરી હતી, જ્યારે અન્ય 17 લાપતા છે. ઇરાને 5 હજયાત્રીઓ મોત, સેનેગલ ત્રણના મોતની માહિતી આપી છે.

 

 

Print