www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભા પરિણામ; ભાજપને અસંતોષની ચિંતા: કોંગ્રેસે લોકો વચ્ચે કાયમ રહેવું પડશે


2024ની ચૂંટણીના પરિણામ પર બંને પક્ષનું મંથન: પાટીલે જવાબદારી લીધી: વિપક્ષે કાર્યકરોને દોડવા કહ્યું

સાંજ સમાચાર

ગાંધીનગર,તા.18
લોકસભા ચૂંટણી પરિણામો બાદ ગુજરાતના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપા અને કોંગ્રેસે હારજીતના વિશ્લેષણ કર્યા છે. કોંગ્રેસ બનાસકાંઠા બેઠક જીતીને ભાજપની તમામ 26 બેઠક પર વિજયના હેટ્રીકના વિજયરથને રોકવામાં સફળ થઈ છે. પરંતુ અન્ય ત્રણેક બેઠક ગુમાવવાનો રંજ છે.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતના પરિણામોની જવાબદારી પોતાના શીરે લઈને મામલો હાલ થાળે પડયો છે. આંતરિક વિશ્લેષણમાં બનાસકાંઠા જ નહીં અન્ય અડધો ડઝન બેઠક પાર્ટી વિરુદ્ધ થયેલી કામગીરીથી પ્રદેશ નેતૃત્વ સમસમી ગયુ છે.

આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગર લોકસભા બેઠકના જીતેલા ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ સિવાયના તમામ 24 જીતેલા અને બનાસકાંઠાના ઉમેદવાર તથા પ્રભારી હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સૌને જનતા વચ્ચે જઈ એમની સમસ્યા ઉકેલવા તથા સરકારની યોજનાઓના મહતમ લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે સેતુરૂપ કામગીરી કરવા સૂચના આપી હતી.

આ જ રીતે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે પોલિટિકલ અફેર્સ કમીટીની બેઠકમાં નેતાઓને ટકોર કરી કે, આપણે અપેક્ષા જેટલા પરિણામો મેળવી શકયા નથી. પરંતુ હવે નવેસરથી કામગીરી કરવાની છે અને એના માટે માત્ર ચુંટણી ટાણે જ નહીં સતત જનતા વચ્ચે જઈ એમની સમસ્યાઓના ઉકેલ માટે પરિણામલક્ષી મથામણ કરતા રહેવું પડશે. કાર્યકરોની જેમ નેતાઓ પણ જનતા વચ્ચે સતત રહે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં હવે કોંગ્રેસ બનશે આક્રમક: સંગઠન માટે પ્રશિક્ષણ વર્ગો
બ્લોક, તાલુકા, જિલ્લા અને પ્રદેશ સ્તરે તાલિમનું મોડેલ અપાશે: જનતાનો અવાજ બનશે વિપક્ષ

ગાંધીનગર,તા.18
સોમવારે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં પોલિટિકલ અફેર્સ કમીટીની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવી હતી.

બનાસકાંઠા બેઠક પરની જીત બદલ ગેનીબેન ઠાકોરને અભિનંદન આપવા સાથે પાટણ, આણંદ, ભરૂચ, સાબરકાંઠા જેવી બેઠકો પર જીત નહીં મળવા પાછળના કારણોનું વિશ્લેષણ કરાયું હતું.

આ બેઠકમાં એવું નકકી કરાયું હતું કે, કોંગ્રેસ હવે તમામ તાલુકા સ્તરે સંગઠનને વધુ મજબૂત કરવા પ્રશિક્ષણ વર્ગો યોજશે. કોંગ્રેસ હવે આક્રમકતાથી જનતાના પ્રશ્નોનું પરિણામલક્ષી સમાધાન ન થાય ત્યાં સુધી લડત આપશે એવું પણ નકકી થયું હતું. ખાસ કરીને વાસનિકે નેતાઓને ટકોર કરી હતી કે, માત્ર ચુંટણી વખતે જ નહીં સામાન્ય સંજોગોમાં નેતાઓ જનતા વચ્ચે રહે અને એમના પ્રશ્ર્નોના ઉકેલ માટે જનતાનો અવાજ બને.

પ્રભારી વાસનિકે કમીટીની બેઠકમાં એવી પણ ટકોર કરી હતી કે, કાર્યકરોની જેમ નેતાઓ પણ સતત પ્રવાસ કરે. લોકો સાથે સતત સંપર્કમાં રહીને કાર્યકરો સાથે કામ કરે. આ ચુંટણીના પરિણામો પરથી જણાય છે કે આપણે આપણા બુથ મેનેજમેન્ટને વધુ મજબૂત કરવું પડશે.

આ માટે આગામી સમયમાં દરેક તાલુકામાં અભ્યાસ વર્ગો યોજી કાર્યકરોને તાલીમ આપવામાં આવશે. બ્લોક, તાલુકા, જિલ્લા અને પ્રદેશ સ્તરે આ તાલીમનું મોડેલ અમલી બનાવાશે.

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તૈયારીઓને લઈને વધારે આક્રમકતાથી મેદાનમાં ઉતરશે. જનતાની સમસ્યાઓનો કોંગ્રેસ અવાજ બનશે.

માત્ર બનાસકાંઠા જ નહીં- અન્ય અડધો ડઝન બેઠક પરના અસંતુષ્ટો સામે પગલાની રાહ
મુખ્યમંત્રી - પ્રદેશ પ્રમુખે એકે એક ઉમેદવાર પાસેથી વફાદારો અને ગદ્દારોનો રિપોર્ટ લીધો
ગાંધીનગર,તા.18

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સોમવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તમામ ઉમેદવારો, પ્રભારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.

આ બેઠક પુર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળશક્તિમંત્રી પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી. પાટીલે બેઠકમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં મારી મહેનતમાં કયાંક કચાશ રહી ગઈ હશે એના લીધે આપણે અપેક્ષિત પરિણામ હાંસલ કરી શકયા નથી.

પરંતુ હવે આ પરિણામો પછી આપણે લોકો સાથેનો સંપર્ક અને નાતો ફરીથી સઘન બનાવવાનો છે. જનતાના અનેક પ્રશ્નોના ઉકેલ માટે આપણે સરકારમાં છીએ એટલે પ્રામાણિક પ્રયત્નો કરવા જોઈશે. ભાજપના કાર્યકરો માટે સતા એ સેવાનું માધ્યમ છે એ વાત કેન્દ્રમાં રાખવાની છે.

પ્રદેશ નેતાઓએ દરેક ઉમેદવારને વન ટુ વન મળીને પરિણામો અંગેની જાણકારી મેળવી હતી. કેટલાક ચુંટાયેલા સભ્યોએ પોતાના મતવિસ્તારમાં કયાં કેવી કામગીરી થઈ છે તેની જાણકારી આપી હતી. જો કે, કેટલાકે પક્ષ વિરોધી પ્રવૃતિ કોના દોરી સંચારથી થઈ છે તેનો ઘટસ્ફોટ કર્યો હતો.

અહીં નોંધવું જરૂરી છે કે ભાજપના ઉમેદવારો સામે જામનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, આણંદ, ભરૂચ, વલસાડ, અમરેલીમાં કેટલાક અંશે પક્ષ વિરોધી કામગીરી કરાઈ હોવાની વિગતો બહાર આવી છે.

ખાસ કરીને પક્ષમાં વધતાં જતાં કોંગ્રેસીકરણ અને અગાઉ પક્ષ વિરોધી પ્રવૃતિ પછી પગલાં લીધા હોય એવા કાર્યકરોને વાજતેગાજતે પાછા લેવાથી અનેક કાર્યકરો નારાજ થયા હતા. આ નારાજગીએ ભાજપની એક ડઝન જેટલી બેઠકો પર લીડ કપાઈ હતી. આ બધા મુદે જિલ્લાના રિપોર્ટ પર હવે પ્રદેશ નેતૃત્વ કેવી કાર્યવાહી કરે છે એના પર કાર્યકરોની નજર છે.

Print