www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખેતીની જમીનનો રજીસ્ટર્ડ દસ્તાવેજ બોગસ હોવાનો મામલો અદાલતમાં


સાંજ સમાચાર

જામનગર તા.28

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામ સ્થિત ખેતીની કિંમતી જમીન વડીલોપાર્જીત હોવા છતાં સ્વતંત્ર માલિકીની મિલકત હોય તેમ સને-2007માં મૂળ ઝાંખર ગામના ધીરજલાલ જીવરાજભાઈ ગુઢકા અને મીઠોઈ ગામના નટુભા ભીખુભા જાડેજા વચ્ચે થયેલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજને ખેતીની જમીનમાં વારસાઈ હક્ક, હિત ધરાવતા અન્ય સહ-માલીકો એ વેચાણ દસ્તાવેજની કાયદેસરતાને પડકારતા દાવાના કામે અધિક જિલ્લા અદાલત સમક્ષ થયેલ અપીલમાં અદાલતે સ્ટે ઓર્ડર ફરમાવવાનો મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામ સ્થિત કિંમતી ખેતીની જમીન સ્વર્ગસ્થ ભીખુભા અદાજી જાડેજાની હોય, જે તેમના પુત્ર નટુભા ભીખુભા જાડેજા અને ઝાંખર ગામના ધીરજલાલ જીવરાજભાઈ ગુઢકાએ સને-2007માં રજીસ્ટર્ડ વેચાણ વ્યવહારના પગલે લાલપુરની દિવાની અદાલત સમક્ષના દાવાના કામે થયેલ નિકાલના પ્રસંગે દિવાની અદાલતે અપીલના સમય સુધી આપેલ સ્ટે ઓર્ડરના પગલે લાલપુર કોર્ટના ચુકાદાને મંચ્છાબા નટુભા જાડેજા વગેરેએ જામનગરના જિલ્લા અદાલતમાં સને-2021 કરેલ અપીલના કામે નોટીસ જારી કરતાની સાથે જ સ્ટે ઓર્ડર ફરમાવી કેસ પેપર્સ તથા સ્ટે ઓર્ડરની નકલ ધીરજલાલ જીવરાજભાઈ ગુઢકાને બજવણી કરવા અંગેની પૂર્વશરત મૂકેલી હોય, જે તમામની બજવણી ચેન-કેન પ્રકારે ટાળ્યા બાદ એપેલન્ટ-મંચ્છાબા નટુભા જાડેજા વગેરે તરફે હાજર રહેલ નગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ તખ્તાણી એ અંતે અદાલતને કેસની ગંભીરતા અને પ્રકરણને ધ્યાને લેવા રજુઆત કરતાં કોર્ટે નોટીસ-હુકમ વગેરે ઝાંખર ગામના રહેણાંક મકાન અંગે અદાલતે કરેલ હુકમના પગલે ધીરજલાલ ગુઢકા સહિતનાઓએ અદાલતમાં હાજર થવાની ફરજ પડી હતી.

જેના પગલે એપેલન્ટના એડવોકેટ તખ્તાણીએ રિસ્પોન્ડન્ટ્સ ધીરજલાલ ગુઢકા સહિતનાઓએ અદાલતની નોટીસની બજવણીને ટાળવા અંગેના કરેલ પ્રયાસોથી અદાલતની પ્રક્રિયાનો કરેલ દુરૂપયોગ કોર્ટના ધ્યાને મુક્યો હતો અને તેઓની વર્તણુંકને પોતાની રજુઆતને આધારે અદાલત સમક્ષ ખુલ્લી પાડયા બાદ અપીલના આખરી નિર્ણય સુધી ખેતીના જમીનના વેચાણ-વ્યવહાર સામે સ્ટે ઓર્ડરની માંગણી મુકતાં અદાલતે સુનાવણીની બીજી મુદ્દત સુધીનો કામચલાઉ સ્ટે ઓર્ડર ત્વરિત-તત્ક્ષણે જ જારી કર્યો હતો.

દિવાની કાર્યવાહીમાં બોગસ અને બનાવટી દસ્તાવેજના કથનો આધારિત એવી આ કાનૂની પ્રક્રિયામાં અધિક જિલ્લા અદાલત સમક્ષ એપેલેન્ટ તરફે નગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી, જીતેશ મહેતા, સંજના એમ. તખ્તાણી તથા આસિ. મુર્તઝા મોદી, મનિષા ભાગવત, રીના રાઠોડ, પૂજા રાઠોડ તથા કિંજલ સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતાં.

Print