www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦વર્ષ 2000નો ગુનો: રાજકોટથી વેપારી પુત્રો ભાસ્કર પારેખ અને પરેશ શાહનું અપહરણ થયું’તું : 52 આરોપીમાંથી બે શખ્સ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા

ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 24 વર્ષ બાદ ચાર્જ ફ્રેમ : સુનાવણી શરૂ


♦આજે આખો દિવસ કોર્ટ કાર્યવાહી ચાલી, 24 વર્ષ બાદ ચાર્જ ફ્રેમ થયો હોય તેવો દેશનો પ્રથમ કેસ

સાંજ સમાચાર

♦વિશાલ માડમ, સચિન માડમ, ત્રાસવાદી આફતાબ અંસારી, રાજકોટના રાજુ રૂપમ, શૈલેષ પાબારી, અમિષ બુદ્ધદેવ સહિતના આરોપીઓ ગુનામાં સામેલ : 9 ચાર્જશીટ થઈ, 52માંથી 8 આરોપીના મોત થઈ ચૂક્યા છે

રાજકોટ, તા.2
રાજ્યભરમાં ચકચારી બનેલા ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 24 વર્ષ બાદ ગઈકાલે રાજકોટની કોર્ટમાં ચાર્જ ફ્રેમ થયું હતું. આજે સુનાવણીમાં આખો દિવસ કોર્ટ કાર્યવાહી ચાલી હતી. 24 વર્ષ બાદ ચાર્જ ફ્રેમ થયો હોય તેવો દેશનો આ પ્રથમ કેસ બન્યો છે. વર્ષ 2000નો આ ગુનો છે. જેમાં રાજકોટથી વેપારી પુત્રો ભાસ્કર પારેખ અને પરેશ શાહનું અપહરણ થયું હતું.

ખંડણી માંગવામાં આવેલી. જેમાં કુલ 52 આરોપી છે. બે શખ્સ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. વિશાલ માડમ, સચિન માડમ, ત્રાસવાદી આફતાબ અંસારી, રાજકોટના રાજુ રૂપમ, શૈલેષ પાબારી, અમિષ બુદ્ધદેવ સહિતના આરોપીઓ ગુનામાં સામેલ હતા. 9 ચાર્જશીટ થઈ હતી. 52માંથી 8 આરોપીના મોત થઈ ચૂક્યા છે.

બનાવનો ઘટનાક્રમ જોઈએ તો, રાજકોટમાંથી તા. 12-11-2000ના રાત્રીના 3 વાગ્યે રૂ.3કરોડની ખંડણી માટે એક સોની અને વણિક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. ભાસ્કર પ્રભુદાસભાઈ પારેખ અને પરેશ લીલાધર શાહનું અપહરણ થયા બાદ, જાણકારી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. તત્કાલીન પોલીસ કમિશનર સુધીર સિન્હાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઇ હતી. સીપીએ આ કેસમાં દુબઈ અને લંડન પોલીસની પણ મદદ લીધી હતી. જે પછી 14 દિવસ બાદ તા.26-11-2000ના રોજ ગુનો દાખલ થયો હતો. કેસ બલાઇન્ડ હતો. જોકે તપાસ બાદ અપહરણ કઈ ગેંગ કર્યું છે? શા માટે કર્યું છે? કોણ કોણ સામેલ છે? કોણ સ્થાનિક સામેલ છે? તે સહિતની વિગતો બહાર આવી હતી. આરોપી પકડાવા લાગતા તમામ વિગતો બહાર આવવા લાગતા પરેશ શાહને ભરૂચના થવા ગામેથી મુક્ત કરાવાયો હતો. અહીં આરોપીઓ ભાસ્કરને લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. જોકે, અથડામણમાં આરોપી રાજશી હાથીયા મેર ઠાર મરાયો હતો. આ કેસમાં આ પહેલું એન્કાઉન્ટર હતું. તે પછી બીજું એન્કાઉન્ટર રાજકોટ પાસે થયું હતું. 

ઊંડાણપૂર્વક તપાસ ચાલતા આ ગુનામાં ત્રાસવાદી આફતાબ અંસારીનું નામ ખુલ્યું હતું. તેના ભાઈ આસિફ રઝાખા રાજકોટ નજીક એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. તપાસ ચાલતી હતી ત્યારે જ ભાસ્કર પારેખને ફઝલ ઉલ રહેમાનની ગેંગે મુક્ત કરી દીધો હતો. શું ભાસ્કરને ખંડણી આપી મુક્ત કરાવાયો હતો? એ પ્રશ્ન હજુ સુધી ચર્ચાઈ રહ્યો છે.

તેનો ચોક્કસ જવાબ હજુ સુધી મળેલ નથી. જે-તે સમયે રાજકોટ જ નહીં દેશભરમાં આ મેસની ચર્ચા જાગી હતી. આ કેસમાં તત્કાલીન પોલીસ કમિશનર સુધીરકુમાર સિન્હા અને ડીસીપી અરૂણકુમાર શર્માએ તપાસ શરૂ કરી હતી. જેમાં કુલ 50 આરોપીને પકડવામાં આવ્યા હતા. તા.7-1-2002ના રોજ પોલીસે ચાર્જશીટ કર્યુ હતું. જે પછી પુરવણી ચાર્જશીટ મળી કુલ 9 ચાર્જશીટ થયા હતા.

આટલા વર્ષોથી આ કેસમાં ચાર્જ ફ્રેમ થયો નહોતો પણ રાજકોટના એડિશનલ સેશન્સ જજ ડી.એચ. સિંઘની કોર્ટમાં કેસ ટ્રાન્સફર થયાના માત્ર દોઢ મહિનામાં ગઈકાલે ચાર્જ ફ્રેમ થયો હતો. આફતાબ અંસારી, વિશાલ માડમ સહિતના આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે મહેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલના નામનું પકડ વોરંટ ઈસ્યૂ કર્યું છે, તેમજ સચિન માડમ સહિત ત્રણ આરોપીને ભાગેડુ જાહેર કર્યા છે. આ કેસમાં વકીલ તરીકે લલિતસિંહ શાહી, સુરેશ ફળદુ, પી.એમ. જાડેજા, આર. બી. ગોગિયા, કિરીટ નકુમ અને પી.એમ. શાહ રોકાયેલા છે.

આ કેસમાં જે આરોપીઓ છે તેમાં આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અંસારી, અમિષ ચંદ્રકાંત બુદ્ધદેવ, રાજેન્દ્રકુમાર વ્રજલાલ ઉનડકટ, જલાલુદ્દીન ઉર્ફે રાણા ઉર્ફે રફિક મહંમદ સુલતાન, મહેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ, શૈલેષ મહેન્દ્ર પાબારી, અજય ઉર્ફે તેટી ગુણુભાઈ મારૂ, બ્રિજમોહન હનુમનરાય શર્મા, વિશાલ વલ્લભ માડમ, કિશોર મહાદેવજી વેગડા, ફઝલ રહેમાન અબ્દુલ બાસિત શેખ ઉર્ફે ફઝલુ ઉર્ફે તનવીર ઉર્ફે અલી, ઉર્ફે ડોક્ટર ઉર્ફે ચંદ્ર મંડલ, નીતિનકુમાર ઉર્ફે મોહંમદ નદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ, ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી, શેલેન્દ્ર અતરંગસિંગ જાટ, મહંમદ સીદીક સમેજા, શાંતિલાલ ડાયા વસાવા, રાજુ ઉર્ફે રાજેશ વ્રજલાલ ભીમજિયાણી, ઈમ્તિયાઝ નુરમામદ કારાણી, ભલા કચરા નારિયા, દિલીપ અમૃત પટેલ, ક્રિનવ રમેશ ચૌધરી, રાજુ ઉર્ફે રૂપમ કાંતિ પોપટ, ભાવિન કિરીટ.વ્યાસ, મહંમદ ઉર્ફે ડેનીહુસેન હાલા, આનંદભાઈ ઢેલુ માડમ, ઈરફાન અકીલ શેખ, મનોજ હરભમ સિસોદિયા, ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લિમ, દીપકકુમાર નાગેશ્વર મંડલ, સચિન વલ્લભ માડમ, તેજસ રાણા ડેર, દિગ્વિજયસિંહ પરબતસિંહ રાણા, મનોજ પ્રવીણ સંખાવડા, સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જંત, પ્રદીપ ઉર્ફે ડોક્ટર અનરસિંગ ડાંગર, સૂરજ પ્રકાશ ઉર્ફે રાજેશ સાહેબસિંહ, જીગ્નેશ ઉમેશ પાંઉ, મેહુલ ઉમેશ પાંઉનો સમાવેશ થાય છે.

પ્રથમ ચાર્જશીટમાં 32 આરોપી હતા. તે પછી વર્ષ 2003થી 2017 સુધીમાં 8 પુરવણી ચાર્જશીટ રજૂ કરાયા હતા. હવે આ કેસમાં 154 શાહેદ જુબાની આપશે. ઉલ્લેખનીય છેકે, આ ગુનામાં મુખ્ય સૂત્રધાર આફતાબ અંસારીના ભાઈ આસિફ રઝાખા પણ રાજકોટ નજીક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેને દુબઈથી ડિપોર્ટ કરાયો હતો.

આફતાબ કોલકાતામાં અમેરિકન દૂતાવાસ પર થયેલા બોમ્બ ધડાકાના કેસમાં પણ સંડોવાયેલો હતો. આ તરફ આફતાબનો પણ રાજકોટ પોલીસે કબજો લીધો છે. જે આરોપી હાજર થયા અને ચાર્જ ફ્રેમ થયો તેના પર કેસ ચાલશે.

Print