www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તણસવામાં કોલેરાથી ચાર બાળકોના થયેલા મોતના મામલે તપાસ કમિટી રચતા કલેકટર


ધોરાજી પ્રાંત, જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક તથા જીપીસીબીના મેમ્બરનો સમાવેશ: ત્રણ દિવસના રિપોર્ટ આપવા આદેશ

સાંજ સમાચાર

રાજકોટ,તા.24
ઉપલેટા નજીકના તણસવામાં કોલેરાથી ચાર બાળકોના થયેલા મોતના મામલે જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ તાબડતોબ તપાસ કમિટીની રચના કરી ત્રણ દિવસમાં રીપોર્ટ આપવા માટે આ કમિટીને આદેશ આપી દીધો છે.

આ પ્રકરણમાં કલેકટર પ્રભવ જોશી દ્વારા ધોરાજીના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તપાસ કમિટીની રચના કરી છે. જેમાં સભ્ય સચિવ તરીકે જીલ્લા આરોગ્ય અધિકારી, ઉપરાંત સભ્ય તરીકે નિલેશ પીઠડીયા, પી.એમ. બુચ (સિવિલ પીડિયાટ્રીક) તથા જીપીસીબીના પી.એમ. પરમાર, તથા ઈન્ડસ્ટ્રીયલ સેફટી ઓફીસર પી.બી. પંચાસરાનો સમાવેશ કરવામાં આવેલ છે. 

તણસવામાં બે કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોના સાત બાળકોને ઝાડા-ઉલ્ટી થતા તેઓને સારવાર અર્થે તાબડતોબ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. જેમાં ચાર બાળકોના મોત થતા જીલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામેલ હતો. આ પ્રકરણમાં આ ચારેય બાળકોના મોત કોલેરાથી થયાનો તપાસ રીપોર્ટ આવતા કલેકટર પ્રભવ જોશી દ્વારા તાબડતોબ પ્રતિબંધાત્મક આદેશો આપવામાં આવેલ હતા.

આ ઉપરાંત આ ઘટનાના પગલે જીલ્લા કલેકટર પ્રભવ જોશી તેમજ જીલ્લા આરોગ્ય અધિકારીઓ સહિતના અધિકારીઓની ટીમે તણસવા ખાતે દોડી જઈ સ્થળ તપાસ કરી હતી. જે બાદ કલેકટર દ્વારા આ પ્રકરણમાં પાંચ સદસ્યોની તપાસ કમિટીની રચના કરી ત્રણ દિવસમાં રીપોર્ટ આપવા માટે આદેશ આપી દીધો છે.

Print