www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

TP શાખાની પાંખો કાપી નાંખતા કમિશ્નર : હવે પૂરો વિભાગ ડે.કમિશ્નર-સીટી ઇજનેર હેઠળ


મનપાની સૌથી ચર્ચાસ્પદ બ્રાંચનું વિભાજન : ત્રણે ઝોનમાં ટાઉન પ્લાનર મૂકાશે : 15 મીટર સુધીની પરવાનગી એટીપી, રપ મીટર સુધીની પરવાનગી એન્જી. અને ડે.કમિશ્નર આપશે : સેટીંગના પણ કટકે કટકા થઇ જશે

સાંજ સમાચાર

 રાજકોટ, તા. 20
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની ટીપી શાખાના તમામ અધિકારીઓની બદલી કરીને વિભાગનું સંપૂર્ણ રીનોવેશન કરનાર કમિશ્નર દેવાંગ દેસાઇએ મનપામાં સૌથી શકિતશાળી મનાતી અને હવે કાગળ ઉપર પણ મલાઇદાર સાબિત થયેલી ટાઉન પ્લાનીંગ શાખાનું વિભાજન કરી નાંખ્યું છે હવે કમિશ્નરે કોર્પોે.માં નગર રચના યોજનાઓ તૈયાર કરવા માટેના મધ્યસ્થ ટાઉન પ્લાનીંગ વિભાગ (ટીપી) અને બાંધકામ મંજૂરી માટે મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ (ટીડીઓ) વિભાગની રચના કરીને અધિકારીઓની નિમણુંક કરી છે. 

અત્યાર સુધી મનપાનો ટીપી વિભાગ સીધો ટીપીઓ અને કમિશ્નર હેઠળ આવતો હતો. હવે એટીપી સહિતના ટેકનીકલ અધિકારીઓ ઉપર જે તે ઝોનના સીટી ઇજનેર, ડે.કમિશ્નર મૂકી દેવામાં આવ્યા છે. ડીમોલીશનની કામગીરી પણ સીટી ઇજનેર અને ડે.કમિશ્નર હેઠળ મૂકી દેવામાં આવી છે. તો ભવિષ્યમાં ત્રણે ઝોનમાં એક એક ટાઉન પ્લાનીંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું. 

કમિશ્નરે બહાર પાડેલા હુકમમાં જણાવ્યું છે કે ટીપી શાખા દ્વારા પ્લાન, બીયુ, ગેરકાયદે બાંધકામ રોકવા અને હટાવવા, નવી સ્કીમ બનાવવા, મંજૂર સ્કીમના અમલીકરણની કામગીરી ટાઉન પ્લાનીંગ ઓફિસર હેઠળ ઝોન ઓફિસ દ્વારા કરવામાં આવે છે. ટીપીઓની એક જગ્યા મંજૂર થયેલ છે અને આ અધિકારી મોટા ભાગે સેન્ટ્રલ ઝોનમાં જ બેસે છે. અલગ અલગ ઝોનના સ્ટાફે ફાઇલોની મંજૂરી માટે સેન્ટ્રલ ઝોનમાં ફરજિયાત આવવું પડે છે. નગર રચનાની કામગીરી માટે વેસ્ટ ઝોનમાં અલગ ટીપી કચેરી કાર્યરત છે. 

સેટઅપ મુજબ એક ટીપીઓ, ત્રણ ટાઉન પ્લાનર સહિત 88 કર્મચારીઓનું સેટઅપ રહેલું છે. હવે કામગીરીનો યોગ્ય સમયે નિકાલ થાય અને લોકોને નજીકના સ્થળે સેવા મળે તે માટે ટીપી શાખાના હયાત મહેકમમાં કર્મચારીઓની  કામગીરીનું વિભાજન કરી વિકેન્દ્રીકરણ સાથે નવા વિભાગની રચના કરવામાં આવી છે. તે મુજબ હવે મધ્યસ્થ ટાઉન પ્લાનીંગ વિભાગ (ટીપી) અને મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ (ટીડીઓ) એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. બંને જગ્યાએ શાખા અધિકારી ટીપીઓ રહેશે. ટીપીમાં એક એટીપી, બે ઇજનેર, બે વર્ક આસી. અને એક હેડ સર્વેયર રહેશે. તો ટીડીઓમાં એક એટીપી, બે-બે ઇજનેર અને વર્ક આસી. રહેશે. 

ટીપી વિભાગ
ટીપી વિભાગમાં મુસદ્દારૂપ નગર રચના યોજના તૈયાર કરવા, વેરીડ ટીપી સ્કીમ બનાવવા, નગર રચના અધિકારીને પરામર્શ આપવા, નોનટીપીમાં વેલીડેશન, સુધારા, સંપાદન, નવા રસ્તા, મૂલ્યાંકન વગેરે કામગીરી ટીપીઓના પરામર્શમાં કરી કમિશ્નરની મંજૂરી લેવાની રહશેે.

ટીડીઓ વિભાગ
શહેર વિકાસ વિભાગમાં 25 મીટરથી ઉંચી હાઇટના મકાનોની પરવાનગી, બીયુ, 25 મીટરથી ઉંચાઇના ઇમ્પેકટ ફીના કેસ, જાહેરાતના બોર્ડની મંજૂરીની કાર્યવાહી, ઓનલાઇન પીઓઆર, લાયસન્સની કામગીરી પણ આ જ રીતે  કરવાની રહેશે. 

હવે ટીપી શાખામાં ત્રણ ટાઉન પ્લાનીંગ ઓફિસર ત્રણે ઝોનમાં રહેશે અને ત્રણે કચેરીમાં 12-12 અધિકારીનું સેટઅપ રહેશે.  ત્રણ ઝોનના એટીપીએ સીટી એન્જી. અને ડે.કમિશ્નર હેઠળ કામ કરવું પડશે. 15 મીટર ઉંચાઇ સુધીના બાંધકામની પરવાનગી અને બીયુ, ઇમ્પેકટની ફીની કામગીરી જે તે ઝોનના એટીપીએ કરવાની રહેશે. તો 15 થી 25 મીટરની ઉંચાઇમાં એટીપીએ સીટી ઇજનેર સાથે પરામર્શ કરી ડે.કમિશ્નર હેઠળ તમામ મંજૂરી સહિતની કાર્યવાહી કરવાની રહેશે. ગેરકાયદે બાંધકામની ર60-2ની કામગીરી સીટી ઇજનેર હસ્તક રહેશે અને 260-1ની નોટીસ એટીપી આપશે. ટીપી સ્કીમ અમલીકરણમાં પણ ઉચ્ચ અધિકારીને રીપોર્ટીંગ કરવાનું થશે.

વિભાગોમાં નિમણુંકો
કોર્પો.ના નવા મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ અને મધ્યસ્થ ટાઉન પ્લાનીંગ વિભાગમાં અધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવી છે. શહેર વિકાસ વિભાગ ખાતામાં એટીપી જે.જે.પંડયા, ત્રણ ઇજનેરો અને એક વર્ક આસી. મૂકવામાં આવ્યા છે.

તો સેન્ટ્રલ ટાઉન પ્લાનીંગ વિભાગમાં પણ એટીપી સુનિલ ગોહેલ, એસ.જે.સીતાપરા, એમ.આર.શ્રીવાસ્તવ,  રેનીસ વાછાણી, આર.જી.પટેલ, એમ.જે.ટાંક, એ.પી.પટેલ સહિતના અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. આ રીતે હવે વર્ષોથી ટીપીમાં રહેલી ભ્રષ્ટ સાંઠગાંઠ પણ ભાંગીને ભૂકકો થઇ જાય તેવી વ્યવસ્થા અમલમાં આવ્યાનું જાણકારો કહે છે. 

Print