www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાહન ડીટેઇન કરવાના મુદ્દે માર મારવાના કેસમાં ફોજદાર સહિત ચાર પોલીસકર્મી સામે અદાલતમાં ફરિયાદ


સાંજ સમાચાર

જામનગર તા.22
જામનગર નજીકના મસીતીયા ગામના એક રહિશનું વાહન ડીટેઈન કરવાના મુદ્દે વર્ષ 2018માં તેને મારકુટ કરવાના આક્ષેપ સાથે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકના પુર્વ પીએસઆઈ અને ત્રણ પોલીસ કર્મચારીઓ સામે અદાલતમાં થયેલી ફરિયાદની તપાસ બાદ અદાલતે ફરિયાદ ગ્રાહ્ય ગણીને ચારેય સામે સમન્સ કાઢવા હુકમ કર્યો છે.

અદાલતમાં નોંધાયેલા આ કેસની વિગતો મુજબ તા.13 જુન-2018ના રોજ શહેર નજીક મસીતીયા ગામે રહેતા વેપારી યુનુસ મુસાભાઈ બુઢાણી સ્કુટર ઉપર જામનગર આવતા હતા ત્યારે દરેડ ગામ નજીક પંચકોશી બી ડીવીઝન પોલીસે તેને રોકીને વાહનના કાગળો માંગ્યા હતા. જે સાથે ન હોવાથી યુનુસભાઈને વાહન સાથે પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં યુનુસભાઈ પાસે રૂ.20 હજારની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદી યુનુસભાઈને પીએસઆઈ જે.બી.ખાંભલા અને સ્ટાફના શોભરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, પ્રધુમ્નસિંહએ તેને ઢીંકાપાટુનો માર અને પટ્ટાથી મારીને લોકઅપમાં ધકેલ્યા બાદ બીજા દિવસે મામલતદાર સમક્ષ રજુ કરીને છોડયા હતા.

જે બાદ ફરિયાદીને મારને કારણે દુ:ખાવો થતા, ચક્કર આવતા તેને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ યુનુસભાઈએ પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપેલી.

જેમાં પગલા ન લેવાતા તેણે અદાલતમાં ફરિયાદ કરતાં અદાલતે કોર્ટ ઈન્ક્વાયરીનો આદેશ કર્યો હતો. જેનો રીપોર્ટ આવ્યા બાદ અદાલતે પુરાવો ધ્યાને લઈને પીએસઆઈ અને ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ રજીસ્ટર લઈને તમામ સામે સમન્સનો આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ તરીકે નીખીલ બી. બુધ્ધભટ્ટી અને પાર્થ ડી. સામાણી રોકાયા છે.

Print