www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં બાયપાસ રોડે વર્ષોથી બની રહેલ આવાસ યોજનાના કામમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.28 
મોરબીના શનાળા બાયપાસ પાસે વર્ષોથી આવાસ યોજનાના મકાન બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, આજની તારીખે પણ કામ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે અને આ કામની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ હાલમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કંડલા બાયપાસ ઉપર કામઘેનુ પાસે સરકારી આવાસ યોજના મંજૂર કરવામાં આવેલ છે અને વર્ષોથી બાંધકામ કરવામાં આવી રહ્યું છે જો કે, કામ પૂરું જ કરવામાં આવતું નથી અને સરકારે વર્ષો પહેલા આવાસ યોજનાના કામ માટે મોરબી પાલિકાને 100 કરોડ જેટલી રકમ આપી હતી.

તેમ છતાં પણ રાજકીય નેતાઓ, કોન્ટ્રાકટરો તેમજ તેમના મળતીયાઓએ આજ દિવસ સુધી તે આવાસનું કામ પૂરું કર્યું નથી. અને લાંબા સમય સુધી તેમનું ખીસ્સુ ભરેલ રહે તેવા એક માત્ર હેતુથી મોટા પાયે આવસના કામમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યુ છે કે, આ આવાસ યોજનાના બાંધકામમાં યોગ્ય માત્રામાં સિમેન્ટ કે લોખંડના ગ્રેડને ધ્યાને લેવામાં આવેલ નથી, આ આવાસ યોજનાના કામમાં રાજકીય નેતાઓ, કોન્ટ્રાકટરો તેમજ તેમના મળતીયાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. અને આજ દિવસ સુધી કામ પૂરું થયું નથી તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. અને જો નબળી કામગીરી કરવામાં આવી હોય અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ ?, કોન્ટ્રાક્ટરો દ્વારા લોટ, પાણી અને લાકડા જેવું કામ કરવામાં આવ્યું છે તો પણ કેમ અધિકારી તેની સામે કોઈ પગલાં લેતા નથી ? તે પણ તપાસનો વિષય છે.

 

Print