www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દ્વારકાના જગત મંદિરે ભગવાન દ્વારકાધીશનો જયેષ્ઠાભિષેક


શ્રીજીને આમરસ અને અઘોર કુંડના પવિત્ર જળથી ખુલ્લા પડદે કરાયો અભિષેક

સાંજ સમાચાર

ખંભાળીયા,તા.21
દેવભૂમિ દ્વારકાના જગતમંદિરમાં શુક્રવારે 21મીએ ભગવાન દ્વારકાધીશને જેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન) કરવામાં આવેલ. દ્વારકાના જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે. શુક્રવારે મંગલા આરતી બાદ સવારે 8 વાગ્યે ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક કરાયો.

જેમાં શ્રીજીનું ઋતુ અનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવેલ. વારાદાર પુજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે.

દ્વારકાધીશ મંદિરના પ્રણવભાઈ પુજારીએ આ અંગે જણાવ્યું હતું કે વર્ષમાં જન્માષ્ટમી અને જયેષ્ઠ પૂર્ણિમા એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લાં પડદે અભિષેક-સ્નાન કરાવવામાં આવે છે. જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્વ છે.

બહારગામથી આવેલા ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો અને ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રદ્ધાળુઓ જયેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે.

જગતમંદિરના પુજારી પરિવાર દ્વારા ચાંદીના વાસણોમાં અઘોર કુંડનું પવિત્ર જલ જગતમંદિરે વાજતે ગાજતે પહોંચશે. સાંજે બાલસ્વરૂપ ગોપાલજીની જલયાત્રા (નૌકાવિહાર) કરાશે. જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવની પુર્વ તૈયારી આવતીકાલે જગતમંદિરના પૂજારી પરિવારના પુરૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્ર શ્રી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી, કુંડના પવિત્ર જલને શાસ્ત્રોકત વિધિથી બેન્ડવાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગતમંદિર ખાતે લઈ જવામાં આવશે.

ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષા ઋતુ આવતી હોય આ પવિત્ર જલને વિવિધ ઔષધીયુક્ત બનાવી રાત્રી અધિવાસન કરી શુક્રવારે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાશે તેમજ સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવશે.

જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરાશે. જેનો લાભ દેશવિદેશના ભાવિકોને પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી મળશે.

જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર
શુક્રવારે જગતમંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. જે મુજબબ શુક્રવારે મંગલા આરતી બાદ ઠાકોરજીને ખુલ્લાં પડદે સ્નાન સવારે 8થી8.45 સુધી યોજવામાં આવેલ. શ્રુંગાર આરતી તેમજ અનોસર (બંધ) નિત્યક્રમ મુજબ યોજાશે. ઉત્સવ તેમજ ઉત્થાપન દર્શન સાંજે 5 વાગ્યે તથા જલયાત્રા (નૌકાવિહાર) દર્શન સાંજે 7 સુધી યોજવામાં આવનાર છે.

Print