www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ સહિત બેંગ્લોર અને મુંબઈમાં પણ ચોરીને અંજામ આપી હોવાનું આરોપીએ કબુલ્યું: શેરીમાં કામ કરતાં નેપાળી કારીગરો બંધ મકાનની માહિતી આપ્યાનું ખુલ્યું

અનેક ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે નેપાળી શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા


કોઠારીયા મેઈન રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીમાંથી પ્રવિણ શાહી અને ભરત શાહીને પકડી ડિસમીસ, વાંદરી પાનુ, મોબાઈલ અને રોકડ સાથે પકડી અનેક ચોરીના ભેદ ઉકેલાયા

સાંજ સમાચાર

રાજકોટ. તા.28
 

શહેરમાં અનેક ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે નેપાળી શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી ડિસમીસ, વાંદરી પાનુ, મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી અનેક ચોરીના ભેદ ઉકેલાયા હતાં. શેરીમાં કામ કરતાં નેપાળી કારીગરો બંધ મકાનની માહિતી આપ્યાનું ખુલ્યું હતું.

શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલે મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરી, ચીલઝડપ, વાહન ચોરી લુંટ તથા છેતરપીંડી વીગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સૂચનાથી એસીપી ક્રાઇમ ભરત બસીયા અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ ટીમ સાથે ચોરીના ગુના ડિટેકટ કરવાં તપાસમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ અમીત અગ્રાવત, કિરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ, તીરૂપતિ સોસાયટી પાણીના ટાંકા પાસેથી બે નેપાળી શખ્સોને પકડી ચોરીના સાધનો ડીસમીસ, વાંદરી પાનું, મોબાઇલ ફોન, રોકડા રૂપીયા મળી કૂલ રૂ 12300 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. ઉપરાંત આરોપીઓએ રાજકોટ શહેર તેમજ મોરબીમાં બારેક જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ત્રણ ગુના અને તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

♦ શેરીઓમાં કામ કરતાં નેપાળી પાસેથી માહિતી મેળવી ચોરીને અંજામ આપતાં
 

ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં ચોરીને અંજામ આપતાં બે નેપાળી શખ્સોને દબોચ્યા હતાં. બંને આરોપી છુટક મજુરી કરે છે અને પોતાના વતનના ઓળખીતા લોકો સાથે રહી શહેર વિસ્તારની સોસાયટી તેમજ એપાર્ટમેન્ટના ચોકીદાર અને કાર વોસ કરવા જતા નેપાળી માણસો પાસેથી બંધ રહેણાંક મકાનની માહિતી મેળવી રાત્રીના રેકી કરી પોતાની પાસે રહેલ ડીસમીશ, લોખંડના સળીયા તથા વાંદરી પાના જેવા હથીયારોથી મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી, તીજોરી-કબાટના લોક તોડી કબાટમાં રહેલ સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપીયાની ચોરી કરી નેપાળ તેમજ અન્ય રાજય બેંગ્લોર, મુંબઇ વિગેરે કે જયાં પોતાના સગા સબંધીઓ કામ કરતા હોય ત્યાં જતા રહેતાં અને બાદ એકાદ - બે વર્ષ પછી પરત ચોરી કરવા નીકળતા હોવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતાં હતાં.

♦  આરોપીએ આપેલ કબુલાત
 

અઢી વર્ષ પહેલા પ્રવીણ, ભરત સહિતના શખસોએ  પત્રકાર સોસાયટી બંધ મકાનના તાળા તોડી તીજોરીમાં રાખેલા રોકડા રૂપીયા, સોનાના દાગીના તથા સોનાના સિક્કાની ચોરી કરેલ તેમજ બીગબજાર પાછળ, સોઇનગર સોસા. માં આવેલ રહેણાંક બંધ મકાનના તાળા તોડી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ હતી. તેમજ બે વર્ષ પહેલા શ્રેયસ સોસા. એરપોર્ટ ફાટક નજીક આવેલા બંધ મકાનના તાળા તોડી  રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ તેમજ વૈશાલીનગરમાં આવેલ રહેણાંક બંધ મકાનના તાળા તોડી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ હતી, મહીલા અંડર બ્રીજ નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોનીમાં આવેલ બંધ મકાનના તાળા તોડી રોકડા રૂપીયાની ચોરી કરેલ હતી,સાધુવાસવાણી રોડ, ત્રીવેણી સોસા.માં આવેલ  બંધ મકાનના તાળા તોડી રોકડા રૂપીયા, સોના ચાંદીના સિક્કાની ચોરી કરેલ હતી. તેમજ કુલ શહેરમાં 12 મકાનમાં ત્રાટકી ચોરીને અંજામ આપ્યો હતો.

♦ પકડાયેલ આરોપીઓ
 

પ્રવીણ બસંત શાહી (ઉ.વ.35),(રહે. હુડકો ચોકડી પાસે તીરુપતિ સોસાયટી શેરી નં. 02, મુળ કાલીકોટ નેપાળ) અને ભરત રણબહાદુર શાહી (ઉ.વ.23),(રહે. હુડકો ચોકડી પાસે તીરુપતિ સોસા શેરી મૂળ કાલીકોટ નેપાળ) ને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યા હતાં. 

Print