www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભાના પ્રથમ સત્રનો જ હોબાળા સાથે પ્રારંભ: નવનિયુક્ત સભ્યોના શપથ

કટોકટી લોકશાહી માટે કલંક, ભવિષ્યમાં કોઈ હિંમત નહી કરી શકે: નરેન્દ્ર મોદી


► કોંગ્રેસ પર પ્રહાર: નવી લોકસભામાં વિપક્ષો લોકતંત્રની ગરીમા જાળવીને સામાન્ય નાગરિકોની અપેક્ષા મુજબ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા હોવાની ટકોર

સાંજ સમાચાર

► સરકાર બધાને સાથે રાખીને ચાલવા તથા ત્રીજી ટર્મમાં ત્રણ ગણી મહેનત સાથે 2047માં ‘વિકસીત ભારત’નું લક્ષ્ય હાંસલ કરવા માટે કટીબદ્ધ

નવી દિલ્હી તા.24
દેશમાં સામાન્ય ચુંટણી બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે હોબાળા વચ્ચે શરૂ થયુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કોંગ્રેસના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ગર્ભીત વિધાનો કર્યા હતા. આજથી નવા ચુંટાયેલા સાંસદોને શપથ લેવડાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 18મી લોકસભામાં સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબે શપથ લેવડાવ્યા હતા.

શપથવિધિ પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટોકટીકાળનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આવતીકાલે 25 જૂન છે અને તે દિવસે દેશમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદી હતી. સમગ્ર દેશને કેદખાનુ બનાવી દેવામાં આવ્યું હતું. કાલે કટોકટી કાળને 50 વર્ષ પુરા થશે. લોકતંત્ર માટે 25 જૂનનો દિવસ ભુલી જવાનો છે અને કટોકટી એ લોકશાહી માટે કલમ પ્રુફ હતી.

નવી પેઢી એ વાતને કયારેય નહી ભુલે કે ભારતના બંધારણને સંપૂર્ણ રીતે નકારી દેવામાં આવ્યું હતું અને લોકશાહીનું ગળુ ઘોંટી દેવામાં આવ્યું હતું. ભારતમાં હવે કોઈ 50 વર્ષ અગાઉ જેવી કટોકટી લાદવાની કોઈ હિંમત નહી કરે. આપણે જીવંત લોકશાહીનું સંકલ્પ લેશુ અને બંધારણની દિશા મુજબ આગળ વધીને સ્વપ્ન પુર્ણ કરવાનો સંકલ્પ લેશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ગૌરવમય છે. આઝાદી પછી પ્રથમવાર નવી સંસદમાં શપથ સમારોહ યોજાઈ રહ્યો છે. અત્યાર સુધી અંગ્રેજોએ બાંધેલા સંસદભવનમાં જ આ પ્રક્રિયા થઈ હતી. નવનિયુક્ત સાંસદોનું સ્વાગત છે.

2047માં વિકસીત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે નવા ઉમંગ, નવા ઉત્સાહ સાથે નવી ગતિ અને નવી ઉંચાઈ મેળવવાનો આ અવસર છે. પ્રજાએ ત્રીજા કાર્યકાળ માટે એનડીએ સરકાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સરકારની નીતિઓને સ્વીકારી છે. છેલ્લા 10 વર્ષ દરમ્યાન દેશને આગળ વધારવા સતત પ્રયત્નો કર્યા છે. નવી સરકાર પણ 140 કરોડ દેશવાસીઓની આશાઓ પરિપૂર્ણ કરવા કટીબદ્ધ રહેશે. ત્રીજા કાર્યકાળમાં એનડીએ સરકાર ત્રણ ગણી વધુ મહેનત કરશે.

તેઓએ જણાવ્યું હતું કે, તમામ સાંસદો પાસે દેશને ઘણી અપેક્ષા છે. હું પણ તમામ સાંસદોને આગ્રહ કરુ છું કે જનહીત અને લોકસેવા માટે આ વખતનો ઉપયોગ કરે એટલું જ નહી દેશની જનતા વિપક્ષ પાસે પણ સારા પગલાઓની અપેક્ષા રાખે છે. અત્યાર સુધી નિરાશા જ મળી છે. 18મી લોકસભામાં વિપક્ષ દેશના સામાન્ય નાગરિકો માટે સારી ભૂમિકા ભજવે અને લોકતંત્રની ગરીમા જાળવી રાખે તેવી અપેક્ષા રાખે છે. વિપક્ષ યોગ્ય સહયોગ આપશે તેવી અપેક્ષા છે.

દેશના બંધારણને આંચ આવવા નહી દેવાય: રાહુલ ગાંધી
નવી દિલ્હી તા.24
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સત્ર પુર્વે કટોકટીકાળને યાદ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બંધારણને આગળ ધરીને એમ જણાવ્યું હતું કે બંધારણનું ગળુ ઘોંટવામાં આવી રહ્યું છે પરંતુ વિપક્ષ આવા પ્રયત્નોને સફળ થવા નહી દે, બંધારણને આંચ પણ આવવા નહી દેવાય તે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષની કટીબદ્ધતા છે. બંધારણને બદલવા કે તેનાથી વિરુદ્ધમાં જઈને કાર્યવાહી કરવાના કોઈપણ પ્રયત્નોને સફળ થવા નહી દેવાય.

સીકરના સાંસદ શપથ લેવા ટ્રેકટર પર પહોંચ્યા: બાડમેરના સાંસદ બેનીવાલે સંસદની સીડી પર નમન કર્યા
બાડમેર લોકસભા મતવિસ્તારમાંથી નવા ચૂંટાયેલા સાંસદ ઉમેદરામ બેનીવાલે સૌપ્રથમ સંસદ ભવનની સીડી પર પ્રણામ કર્યા. આ પછી બિલ્ડીંગમાં પ્રવેશ્યા. તેમના હાથમાં ‘ભારતનું બંધારણ’ પુસ્તક હતું. સીકરના સાંસદ અમરા રામ તેમના સત્તાવાર નિવાસસ્થાનથી ટ્રેક્ટર ચલાવીને સંસદ માટે રવાના થયા હતા. તેમણે કહ્યું- મોદીજીએ ખેડૂતોના આંદોલન દરમિયાન કહ્યું હતું કે ટ્રેકટર દિલ્હી નહીં આવી શકે. હું આ ટ્રેકટર પર બેસીને સંસદમાં જઈ રહ્યો છું.

 

Print