www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતની બીજા નંબરની મોંઘી ટ્રેન

પેલેસ ઓન વ્હીલ્સ ટ્રેનમાં હવે ડેસ્ટીનેશન લગ્ન પણ થઈ શકશે


સાંજ સમાચાર

જયપુર:

રાજસ્થાનના કણ-કણમાં સૌંદર્ય અને સાહસની કથા છલકે છે. અહીના દરેક શહેર અને કસબાની અલગ ઓળખ છે. ભારતની બીજા નંબરની સૌથી મોંઘી ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સમાં રાજસ્થાનની સફર કરવી એ લહાવો છે. આ ટ્રેન શાહી લુક અને શાહી દાવતવાળી મુસાફરી માટે જાણીતી છે,

પણ હવે આ ટ્રેનમાં ડેસ્ટીનેશન વેડીંગ પણ કરાવી શકાશે. ટ્રેનનું ઈન્ટીરીયર શાહી રાજમહેલ જેવું જાજરમાન છે અને ખાનપાનની સુવિધા પણ ખાસ છે. હવે જો ચાલતી ટ્રેનમાં લગ્ન કરાવવાનું સપનું હોય તો એ પૂરું થઈ શકશે, કેમકે હવે ટ્રાવેલની સાથે આ ટ્રેનમાં વેડીંગ ફંકશન્સ કરાવવાનું બુકીંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે.આ વર્ષે પેલેસ ઓન વ્હીલ્સની નવી સીઝન 20 જુલાઈથી શરૂ થશે. ભારતમાં હજી સુધી કોઈ ચાલતી ટ્રેનમાં શાહી લગ્ન કરવાની ઓફર બહાર નથી પડી. આ પહેલી ટ્રેન છે જેમાં લોકો જાજરમાન અને ભવ્ય ટ્રેનમાં ફરતાં-ફરતાં લગ્નગ્રંથિથી જોડાઈ શકશે અને સાથે ઐતિહાસિક પર્યટન સ્થળોની સહેલ પણ માણી શકશે. આ ટ્રેનનો રૂટ જયપુરથી સવાઈ માધોપુર, ચિતોડગઢ, ઉદયપુર, જેસલમેર, જોધપુર, ભરતપુરથી આગરા સુધીનો છે. અલબત, આ ટ્રેનમાં એક વ્યક્તિનું એક દિવસનું ભાડું લગભગ એક લાખ રૂપિયા જેટલું છે. ભારતની સૌથી મોંઘી ટ્રેનની સફર મહારાજા ટ્રેનની છે.

 

Print