www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટના વિરવા ગામે રિસામણે રહેતી ભાવનગરની પરિણીતા ધર્મિષ્ઠાબા સરવૈયાએ આત્મહત્યા કરી


♦ ભાવનગર રહેતા અને કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા પતિ કુલદીપસિંહ સરવૈયાના ત્રાસથી પગલું ભર્યું હોવાનો માવતર પક્ષનો આક્ષેપ

સાંજ સમાચાર

♦ મૃતકના ભાઈ કૃષ્ણકાંતસિંહ જાડેજા માતા-પિતાને લઈ રાજકોટ દવા લેવા આવ્યા અને પાછળથી ધર્મિષ્ઠાબાએ ગળાફાંસો ખાઈ લીધો

રાજકોટ, તા.24
રાજકોટ નજીક લોધિકા તાલુકાના વિરવા ગામે રિસામણે રહેતી ભાવનગરની પરિણીતા ધર્મિષ્ઠાબા સરવૈયાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ભાવનગર રહેતા અને કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા પતિ કુલદીપસિંહ સરવૈયાના ત્રાસથી પગલું ભર્યું હોવાનો માવતર પક્ષનો આક્ષેપ છે.

મૃતકના ભાઈ કૃષ્ણકાંતસિંહ જાડેજા માતા-પિતાને લઈ રાજકોટ દવા લેવા આવ્યા અને પાછળથી ધર્મિષ્ઠાબાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવાર ઘરે આવતા ધર્મિષ્ઠાબાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ, તુરંત નીચે ઉતારી 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પણ ટૂંકી સારવારમાં જ તેણીએ દમ તોડી દીધો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ, ધર્મિષ્ઠાબા કુલદીપસિંહ સરવૈયા(ઉં. વ.31) બે વર્ષથી તેના પિતા હરવિજયસિંહ દાનુભા જાડેજાના ઘરે માવતરે વિરવા ગામ રહે છે. ગઈકાલે સાંજે મૃતકના ભાઈ કૃષ્ણકાંતસિંહ રાજકોટ ખાતે માતા - પિતાને લઈને લઈ તેમના પગની સ્નાયુની દવા લેવા ગયા હતા. ધર્મિષ્ઠાબા ઘરે એકલા હતા.

કૃષ્ણકાંતસિંહ અને તેના માતા - પિતા પરત ઘરે આવતા જોયું તો ધર્મિષ્ઠાબા ઘરમાં છતના હુંકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતા જોવા મળેલ. કૃષ્ણકાંતસિંહે તુરંત ધર્મિષ્ઠાબાને નીચે ઉતારી લીધા હતા. દેકારો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ આવતા ધર્મિષ્ઠાબા બેભાન હોય, પણ શ્વાસ ચાલુ હોય તુરંત 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

તેણીએ ટૂંકી સારવારમાં જ અત્રે દમ તોડી દેતા લોધિકા પોલીસની ટીમ દોડી આવી હતી. જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનું નિવેદન લીધું હતું. કૃષ્ણકાંતસિંહે જણાવ્યા મુજબ, ધર્મિષ્ઠાબાના લગ્ન પાંચ વર્ષ પહેલાં ભાવનગરના કુલદીપસિંહ સરવૈયા સાથે થયા હતા. લગ્ન ગાળા દરમિયાન પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો. કરીવાર ઓછો લાવ્યા બાબતે મેણાં ટોણાં મારતા.

જે 3 વર્ષ સહન કર્યા બાદ ધર્મિષ્ઠાબા માવતરે રહેવા આવતા રહ્યા હતા. 6 મહિના પહેલા પણ ધર્મિષ્ઠાબાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણી બે ભાઈ એક બહેનમાં બીજા નંબરની હતી. તેમના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Print