www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દ્વારકા પંથકમાં ડ્રગ્સનો સીલસીલો યથાવત: વધુ 21 કરોડના પેકેટો પકડાતા તપાસ


કલ્યાણપુરના નાવદ્રા ગામના શખ્સના ઝૂંપડામાં દરોડો પાડી ચરસના 40 પેકેટો કબ્જે કરતી પોલીસ: આરોપીની ધરપકડ

સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા.27
દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે દરિયા કાંઠાના વિસ્તારોમાંથી ડ્રગ્સના પેકેટો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે મંગળવારે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના રહીશ એવા એક આસામીના રહેણાંક મકાનમાંથી 40 જેટલા પેકેટ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો છે. 42 કિલોથી વધુ વજનના આ ચરસની કિંમત રૂપિયા 21.06 કરોડ ગણવામાં આવી છે.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા કલ્યાણપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોના સ્થાનિક રહીશો સાથે કરવામાં આવી રહેલી મીટીંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર નજીક આવેલા નાવદ્રા ગામની બહારના વિસ્તારમાં રહેતા દેવશી રાજાભાઈ વાઘેલા નામના શખ્સના રહેણાંક ઝુંપડામાં દરોડો પાડી અને ઘરમાં ખાટલા નીચે છુપાવીને રાખવામાં આવેલા ચરસના 40 પેકેટ કબજે કર્યા હતા.

જે અંગેની તપાસણીમાં રૂપિયા 21,06,75,000ની કિંમત ધરાવતા 42.135 કિલોગ્રામ ચરસનો આ જથ્થો પોલીસે કબજે લઇ, ઉપરોક્ત શખ્સ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટેન્સ એક્ટ (એનડીપીએસ એક્ટ) અન્વયે ગુનો નોંધી આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડને સોંપવામાં આવી છે.

આ કાર્યવાહીમાં સીપીઆઈ આર.બી. સોલંકી, ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, ભાટિયાના પી.એસ.આઈ. કે.પી. ઝાલા, એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા, સુમાતભાઈ ભાટીયા, હરદેવસિંહ જાડેજા વિગેરે સાથે રહ્યા હતા.  

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દ્વારકા પંથકમાંથી પોલીસને કુલ રૂપિયા 61.86 કરોડની કિંમતના 115 પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. ત્યારે કલ્યાણપુરમાં એક આસામી પાસેથી આ પ્રકારના ચરસનો વધુ જથ્થો ઝડપાતા ચર્ચા જાગી છે. (તસ્વીર : કુંજન રાડીયા)

Print