www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

EVM બચી ગયું! કોઇ પક્ષને ફરિયાદ નહીં


પરિણામ જાહેર થયાના સાત દિવસમાં કોઇ નારાજ નથી : અગાઉ કોર્ટ સુધી ફરિયાદો કરી હતી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 12
લોકસભા ચૂંટણીના પરિણામમાં આ વખતે વિપક્ષનું કદ વધ્યું છે અને કેન્દ્રમાં ગઠબંધન સરકાર આવી છે. આ પરિણામ આવ્યા બાદ ઇવીએમને લઇને કોઇ રાજકીય પક્ષ, નેતા કે અન્ય કોઇ તરફથી વોટીંગ મશીન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી નથી. 

છેલ્લી ઘણી ચૂંટણીમાં ઘણા પક્ષો અને નેતાઓ ઉપરાંત બિનસરકારી સંગઠનો દ્વારા ઇવીએમ હેક અથવા તેમાં છેડછાડ કરી પરિણામ પર અસર પાડવા પ્રયત્ન થતા હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.

આ વખતે ચૂંટણી પહેલા પણ ઇવીએમ પર ગંભીર આક્ષેપો કરી મામલો સુપ્રિમ કોર્ટ સુધી લઇ જવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે તા.ર6 એપ્રિલે એક મહત્વનો હુકમ કરતા ઇવીએમમાં નોંધાયેલા 100 ટકા મતને વીવીપેટ સ્લીપ સાથે મેચ કરવાની માંગણી રદ્દ કરી હતી.

જસ્ટીસ સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાની બેંચે કહ્યું હતું કે કોઇ પણ પ્રણાલી પર આંખ બંધ કરીને અવિશ્વાસ કરવો ચૂંટણીમાં શંકા સર્જી શકે છે. જોકે સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો હતો કે ચૂંટણી પરિણામ જાહેર થયાને સાત દિવસમાં કોઇ વાંધો હોય તો પહેલા અને બીજા ક્રમે રહેલા ઉમેદવાર ઇવીએમની તપાસ માંગી શકે છે. પણ આ સાત દિવસમાં કોઇ પણ રાજકીય પક્ષ કે નેતાઓએ ફરિયાદ કરી નથી.

ઇવીએમ હેક કરવા, ચીપમાં છેડછાડ, ઉમેદવારના નામ સામે બટન દબાવવા છતાં અન્ય ઉમેદવારમાં મત પડવા સહિતના આક્ષેપો અગાઉ કરવામાં આવ્યા હતા. ઇવીએમ ચેક કરવા માટે રૂા.47200ની ફી ચૂંટણી પંચે નકકી કરી હતી.

Print