www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતમાં શિક્ષણ વ્યવસ્થા જોક બની ગઇ: ભાજપ અગ્રણી ડો.ભરત કાનાબાર: સોશ્યલ મીડિયામાં ટ્વિટ વાયરલ


અમરેલીમાં નર્સરી-બાલમંદિર ચાલી શકે તેવા બિલ્ડિંગોમાં કોલેજો શરૂ

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.29
અમરેલી જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર અવારનવાર ભ્રષ્ટ તંત્રને ખુલ્લું પાડતાં જોવા મળી રહૃાા છે. સત્તા પક્ષનાં અગ્રણી હોવા છતાં આત્માનો અવાજ સાંભળીને તેઓ સાચી વાત કહેતા અચકાતા નથી. આજે સત્તા પક્ષનાં આગેવાનો સાચી વાત કહેવાની હિંમત ખોઈ બેઠા છે તેવા સમયે ડો. કાનાબારે વધુ એક ટિવટ સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને શિક્ષણક્ષેત્રમાં ચાલતી અંધાધુંધીનો પર્દાફાશ કર્યો છે. તેઓએ ટ્વિટમાં જણાવેલ છે કે, ભારતમાં શિક્ષણ વ્યવસ્થા મોટી જોક બની ગઈ છે !

જે ક્ષેત્રમાં સૌથી વધુ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ આવવા જોઈએ તે મેડિકલ ફિલ્ડમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજોની ફી મઘ્યમવર્ગને પણ પરવડે તેવી ના હોવાથી નીટમાં ર0% માર્કસ લાવવાવાળા શ્રીમંતોના બાળકો મેડિકલમાં એડમિશનમેળવી લે છે.

અન્ય બ્રાન્ચોની તો વાત કરતા પણ શરમ આવે તેવું છે. કોલેજોમાં જાવ નહિ તો પણ ડિગ્રી મળી જાય. શિક્ષણના ક્ષેત્રમાં જાણે દુકાનો ખુલી ગઈ છે ! નર્સિંગની અનેક કોલેજો માત્ર કાગળ પર હોસ્પિટલો સાથે જોડાણ ધરાવે છે પરિણામે વિદ્યાર્થીઓને પ્રેકિટકલ અનુભવ મળતો નથી. 
અમરેલીમાં પણ આવી કોલેજો ચાલે છે. માંડ બાલમંદિર કે નર્સરી ચાલી શકે તેવા બિલ્ડિંગમાં એક આર્ટસ-લો કોલેજ ચાલે છે. મેં કયારેય ત્યાં વિદ્યાર્થી જોયા નથી છતાં રજીસ્ટર ઉપર કેટલા હશે તે ભગવાન જાણે !

આપણે નવા નવા એકસપ્રેસ વે અને હાઈવેના નિર્માણમાં ગળાડૂબ છીએ પણ દેશની ભવિષ્યની પેઢીના નિર્માણમાં કોઈ રીતે ગંભીર નથી. ઈડી, સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓને શિક્ષણ ક્ષેત્રમાં દેશના કરોડો વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલી આવી ખુલ્લેઆમ છેતરપિંડીને અટકાવવા કામે લગાડાશે તો રાષ્ટ્રને મોટું નુકસાન થતું અટકશે. તેમ ડો. કાનાબારે ટ્વિટ કરી જણાવ્યું છે. 

Print