www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાવાઝોડુ ચોમાસાની પ્રગતિને અવરોધશે? અમુક ભાગોમાં અસર થવાની ભીતિ

ચોમાસા પુર્વે વાવાઝોડાની એન્ટ્રી: રવિવારે ‘રેમલ’ ત્રાટકશે


◙ બંગાળની ખાડીમાં ઉદભવેલી સિસ્ટમ આવતીકાલે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે: 102 કીમીની ઝડપે બાંગ્લાદેશ તથા લાગૂ પશ્ચિમ બંગાળના કાંઠે ત્રાટકવાની સંભાવના

સાંજ સમાચાર

◙ પશ્ચિમ બંગાળ, ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા, મણીપુરમાં ભારે વરસાદની ચેતવણી: મહારાષ્ટ્ર-ગુજરાતમાં પણ અસર રહેવાની શકયતા

નવી દિલ્હી,તા.24
ભારતમાં નૈઋત્ય ચોમાસાના સતાવાર આગમન પુર્વે સિઝનના પ્રથમ વાવાઝોડાના ત્રાટકવાનો ખતરો વધવા લાગ્યો છે. બંગાળની ખાડીમાં ઉદભવેલુ હળવુ દબાણ મજબૂત બનીને આવતીકાલે વાવાઝોડામાં પરિવર્તિત થશે અને રવિવારે પશ્ચિમ બંગાળ પર ત્રાટકવાની શકયતા છે. આ વાવાઝોડાને ‘રેમલ’ નામ આપવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડીમાં ચોમાસા પુર્વેનું આ પ્રથમ વાવાઝોડુ છે. રવિવારે બાંગ્લાદેશ તથા સંલગ્ન પશ્ચિમ બંગાળના દરિયાકિનારાના ભાગોમાં 102 કિલોમીટરની ઝડપે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડાના પ્રભાવ હેઠળ ઓડીસા, મિઝોરમ, ત્રિપુરા તથા દક્ષિણ મણીપુરના સાગરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે.

માછીમારોને દરિયામાંથી પરત આવી જવા સૂચવાયુ છે. સમુદ્રની સપાટી ઘણી ગરમ થઈ જતા વાવાઝોડા ઝડપથી ગતિ વધારી દેતા હોય છે. સમુદ્રની સપાટી છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ ગરમ થઈ છે. ભેજ વધવાને કારણે વાવાઝોડાના ઉદભવ માટે અનુકુળ સ્થિતિ સર્જાય છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક મોનિકા શર્માએ જણાવ્યું હતું કે, આજે સવારે બંગાળની ખાડીમાં દબાણક્ષેત્ર સર્જાયુ છે અને આવતીકાલે સવાર સુધીમાં સીસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે અને વધુ શક્તિશાળી બનશે. રવિવારે સાંજ સુધીમાં તે વધુ મજબૂત બનીને બાંગ્લાદેશ તથા નજીકના પશ્ર્ચીમ બંગાળના તટ સાથે ટકરાઈ શકે છે. વાવાઝોડાને કારણે 102 કીમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

ભૂવિજ્ઞાન મંત્રાલયના પુર્વ સચીવ રાજીવને કહ્યું કે, પવનના ઝટકા વધુ પડતી ગતિના રહેવાના સંજોગોમાં વાવાઝોડુ વધુ ભયંકર નહી બની શકે અને નબળુ પડી જશે.
વાવાઝોડાની ચોમાસા પર અસર થવાની સંભાવના તેઓએ નકારી હતી પરંતુ હવામાન વિજ્ઞાની પાઈએ કહ્યું કે વાવાઝોડુ દેશના અમુક ભાગોમાં ચોમાસાની પ્રગતિને પ્રભાવિત કરી શકે છે.

પ્રારંભીક તબકકે આ સીસ્ટમ બંગાળની ખાડીમાં ચોમાસાને આગળ વધવામાં મદદ કરશે ત્યારબાદ ચોમાસુ સરકયુલેશનથી અલગ થઈ જશે. મોટીમાત્રામાં ભેજ ખેંચી છે તેને પરિણામે ચોમાસાની પ્રગતિ અવરોધાઈ શકે છે. થોડો વખત આ ભાગોમાં ચોમાસુ આગળ વધતા અટકી શકે છે.

હવામાન વિભાગે કહ્યું કે, વાવાઝોડાની અસર ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં પણ થઈ શકે છે. તામીલનાડુ તથા આંધ્રપ્રદેશમાં પણ વરસાદની સંભાવના રહેશે.

Print