www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુરોપની ટૂર હવે મોંઘી પડશે: શેંગેન વિઝા ફીમાં 80 થી 90 યુરોનો વધારો


11મી જૂનથી નવો ફી વધારો અમલમાં: શેંગેન વિઝા ફીમાં વધારા સામે અનેક જગ્યાએ નારાજગી

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.21
યુરોપના મોટા ભાગના દેશોની મુલાકાત લેવાનું હવે મોંઘું પડશે કારણ કે શેંગેન વિઝાની ફી વધી રહી છે. એડલ્ટ માટે ફી 80 યુરોથી વધીને 90 યુરો કરવામાં આવશે જ્યારે બાળકો માટે ફી 40 યુરોથી વધારીને 45 યુરો કરવામાં આવશે. જૂનના મધ્યથી જ નવી ફી લાગુ થઈ જવાની છે.

શેંગેન વિઝા ફીમાં સીધો 12 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે અને આ વધારો 11 જૂનથી એટલે કે આગામી મહિનાથી જ લાગુ થઈ જશે. યુરોપિયન કમિશન આ ફી વધારવા જઈ રહ્યું છે અને તેના માટે એવું કારણ અપાયું છે કે યુરોપમાં ફુગાવો વધ્યો છે, સિવિલ સર્વન્ટના પગાર વધ્યા છે જેથી શેંગેન વિઝાની ફી પણ વધારવી પડી છે.

સ્લોવેનિયન મિનિસ્ટ્રી ઓફ ફોરેન એન્ડ યુરોપિયન અફેર્સે એ વાતની પુષ્ટિ કરી છે કે શેંગેન વિઝા માટે અરજી કરી હોય તો એડલ્ટ માટે ફી 80 યુરોથી વધીને 90 યુરો કરવામાં આવશે જ્યારે 6થી 12 વર્ષના બાળકો માટે ફી 40 યુરોથી વધારીને 45 યુરો કરવામાં આવશે.

યુરોપના દેશોની મુલાકાત લેવામાં ભારતીય ટ્રાવેલર્સનો રસ વધતો જાય છે અને 2023માં શેંગેન વિઝાની અરજીઓમાં મોટો વધારો થયો હતો. હવેથી પુખ્તવયના લોકો અને બાળકો માટે વિઝા ફી વધી જશે. આ ઉપરાંત જે દેશો પોતાના ગેરકાયદે વસતા લોકોને પોતાને ત્યાં પાછા રાખવામાં સહકાર નહીં આપતા હોય તેવા દેશો માટે ફી 135 યુરોથી વધારીને 180 યુરો કરવામાં આવશે.

સ્લોવેનિયન ગવર્નમેન્ટે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે શોર્ટ ટર્મના શેંગેન વિઝા માટેની ફીમાં વર્લ્ડવાઈડ 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આખી દુનિયામાં આ ફી વધારો 11 જૂન 2024થી લાગુ થશે.

શેંગેન વિઝા કોડ પ્રમાણે દર ત્રણ વર્ષે ઈયુની વિઝા ફીમાં ફેરફાર કરવામાં આવે છે અને જે રીતે ફુગાવો વધે તેને ધ્યાનમાં રાખીને ફી વધારવામાં આવતી હોય છે. છેલ્લે ફેબ્રુઆરી 2020માં ફી વધારવામાં આવી ત્યારે એડલ્ટ માટે ફી 60 યુરોથી વધારીને 80 યુરો કરવામાં આવી છે અને હવે તે 90 યુરો થઈ જશે.

શેંગેન વિઝાની ફી વધવાના કારણે ઘણી જગ્યાએ અસંતોષ પણ જોવા મળ્યો છે, નારાજગી જોવા મળી છે. ખાસ કરીને તુર્કીના નાગરિકો બહુ નારાજ છે કારણ કે તેમને અપેક્ષા હતી કે યુરોપિયન યુનિયન સાથે વિઝા ફ્રી એગ્રીમેન્ટ થઈ જશે. 

શેંગેન એરિયા એ યુરોપની અંદર ફ્રી મુવમેન્ટનો એક ચોક્કસ ઝોન છે જેમાં અમુક દેશો સામેલ છે. તેમાં કુલ 29 દેશો આવે છે જેમાંથી 25 દેશો યુરોપિયન યુનિયનના મેમ્બર છે. આમાં જર્મની, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઈટલી, નેધરલેન્ડ, ઓસ્ટ્રીયા, પોર્ટુગલ, પોલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ સહિતના દેશોનો સમાવેશ થાય છે.

Print