www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

2007 માં ટી-20 વર્લ્ડ કપ જીત્યું હતું ભારત, 17 વર્ષ બાદ કપ જીતવાની તક

ત્યારે પણ ઇંગ્લેન્ડ સામે હાર્યા હતા, શું ટીમ ઇન્ડિયા આજે 2022 નો બદલો લેશે ? આજે ફરી સેમીફાઈનલમાં આમને-સામને


♦ આજે રાત્રે 8.30 કલાકે ગયાનામાં મેચ રમાશે, વરસાદના 70 ટકા ચાન્સ, મેચ રદ થાય તો એડવાંટેજ ભારત - સીધા ફાઇનલમાં પહોંચશે

સાંજ સમાચાર

♦ પહેલી જ વખત વર્લ્ડ કપમાં એક સાથે 20 ટીમો રમી હતી, જેમાં ભારત ટોપ પર છે : હવે કપ જીત્યા બાદ જ લક્ષ્ય હાંસલ થશે 

♦  બટલર, સોલ્ટની બેટિંગ અને જોર્ડન - રશિદની બોલિંગ પર નજર રહેશે, બરાબરનો મુકાબલો થશે: ભારત માટે રોહિત, પંડ્યા, બૂમરાહ, કુલદીપ સૌથી મહત્વના પ્લેયર સાબિત થશે જે હાલ ફૂલફોર્મમાં છે

 

ગયાના : 
2022 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડની સામે હતી. વિરાટની ફિફ્ટી અને હાર્દિકની 63 રનની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા 168 રન સુધી પહોંચી ગઈ હતી. ભારતીય ચાહકોને આકરા મુકાબલાની અપેક્ષા હતી, પરંતુ એવું થયું નહીં. રોહિત શર્માએ 6-6 બોલરોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ઈંગ્લિશ કેપ્ટન જોસ બટલર (80) અને એલેક્સ હેલ્સ (86)ની તોફાની બેટિંગ સામે કોઈ ટકી શક્યું ન હતું.

ઈંગ્લેન્ડે આ મેચ 10 વિકેટે જીતી લીધી અને ટીમ ઈન્ડિયાનું ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આજે ફરી બંને ટીમો ઝ20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આમને-સામને છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અજેય છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. બોલરો બેટ્સમેન કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

બીજી તરફ બટલરની ટીમે અમેરિકા સામે આપેલા 115 રનના લક્ષ્યાંકનો પીછો માત્ર 9.4 ઓવરમાં જ કરી લીધો હતો. ઓમાન સામે 47 રનના ટાર્ગેટનો પીછો 19 બોલમાં થયો હતો. બટલરનું બેટ જોરથી બોલે છે.

સેમી ફાઈનલ - ભારત વિ ઈંગ્લેન્ડ
તારીખ - 27 જૂન, પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના
ટોસ - સાંજે 7:30 PM, મેચ શરૂ - 8:00 PM

ખેલાડીઓ વચ્ચેનો જંગ : 

1. બૂમરાહે બટલરને 3 ઇનિંગ્સમાં 2 વખત આઉટ કર્યો છે, 10 બોલમાં માત્ર 3 રન જ કરી શક્યો છે જોસ બટલર

2. રશીદ વિ. કોહલી : રશિદે કોહલીને 9 ઇનિંગમાં 2 વખત આઉટ કર્યો છે. 68 બોલનો સામનો કરી કોહલી 72 રન કર્યા છે.

3. જોર્ડન વિ. રોહિત : 4 ઈનિંગમાં જોર્ડને 1 વખત આઉટ કર્યો છે. 33 બોલમાં રોહિતે 54 રન ફટકાર્યા છે. 

4. રોહિત શર્મા ભારતનો ટોપ સ્કોરર છે, આર્ચરે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ લીધી હતી.

5. સૂર્યકુમાર યાદવ- ભારતનો 360 ડિગ્રી સૂર્યકુમાર યાદવ આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. તેણે અફઘાનિસ્તાન અને અમેરિકા સામે 2 અડધી સદી ફટકારી છે. તેણે આ વર્લ્ડ કપની 6 મેચમાં 149 રન બનાવ્યા છે. પોતાના અનોખા શોટ્સથી તે કોઈપણ ટીમની બોલિંગને પરેશાન કરી શકે છે.

6. કુલદીપ યાદવ- વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલ પિચ પર કુલદીપ યાદવ ભારત માટે ટ્રમ્પ કાર્ડ બની રહ્યો છે. જ્યારથી કુલદીપ ટીમમાં જોડાયો છે ત્યારથી તેણે વિપક્ષી ટીમના મિડલ ઓર્ડરને ખતમ કરી નાખ્યો છે. કુલદીપે અત્યાર સુધી આ વર્લ્ડ કપની 3 મેચમાં 7 વિકેટ ઝડપી છે. કુલદીપની ગુગલી વાંચવી એ બેટ્સમેન માટે સૌથી મુશ્કેલ કામ છે. ગયાનાની પીચ પણ સ્પિનરોને મદદ કરી રહી છે. 

ટી 20 મેચમાં ભારત ઈંગ્લેન્ડ વચ્ચે કુલ 23 મેચ રમાયા છે જેમાં ભારત 12 મેચ જીતી છે અને ઇંગ્લેન્ડ 11. તો ટી20 વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 મેચ રમાયા છે જેમાં બંને ટીમ 2-2 મેચ જીતી છે. 

મેચનું મહત્વ- 
જે ટીમ આ મેચ જીતશે તેને ફાઈનલની ટિકિટ મળશે. આ બંને ટીમો માટે કરો યા મરો મેચ હશે.

ટોસની ભૂમિકા- 
આ વિકેટ પર ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે, કારણ કે પ્રોવિડન્સ સ્ટેડિયમની વિકેટ ધીમી છે અને અહીંની પીચ સ્પિનરો માટે મદદરૂપ છે. સેમી ફાઈનલ મેચ રાત્રે રમાશે. આવી સ્થિતિમાં ઝાકળની અસર પણ જોવા મળી શકે છે. અહીં સૌથી વધુ સ્કોર 183 છે, પરંતુ છેલ્લી 5 મેચમાં ટીમો 5 વખત ઓલઆઉટ થઈ છે.

સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.

ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ, જોની બેરસ્ટો, મોઈન અલી (વાઈસ-કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, સેમ કુરાન/રીસ ટોપલી, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, ક્રિસ જોર્ડન, માર્ક વુડ.

 

 

 

Print