www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભાની ચૂંટણીના ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રા રાજકોટમાં

કાલે સાંજે રાજકોટ લોકસભા બેઠકના તમામ ઉમેદવારો પાસેથી લેવાશે ખર્ચના હિસાબો


કલેકટર કચેરીમાં કલેકટર-ડીડીઓની ઉપસ્થિતિમાં યોજાશે બેઠક: હિસાબો રજૂ નહી કરી શકનારને 15 દિવસનો વધુ સમય અપાશે

સાંજ સમાચાર

રાજકોટ તા.1
 લોકસભાની ચૂંટણી બાદ ઉમેદવારોએ ફાઈનલ હિસાબો 30 દિવસમાં જમા કરાવવાના હોય રાજકોટ લોકસભા બેઠકના ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રા ઉમેદવારો પાસેથી ફાઈનલ ખર્ચના હિસાબો લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા છે.

 આવતીકાલે તા.2ને મંગળવારના સાંજના 4 કલાકે જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને આ અંગે બેઠક આયોજીત કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ લોકસભા બેઠકના તમામ ઉમેદવારોને ચૂંટણી ખર્ચના ફાઈનલ હિસાબો રજૂ કરી દેવા માટે તાકીદ કરી દેવામાં આવી છે.

 તેમ છતાં જો કોઈ ઉમેદવારો હિસાબ રજૂ ન કરી શકે તો તેઓને 15 દિવસનો વધુ સમય આપવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છેકે ચૂંટણી ખર્ચના હિસાબો જમા ન કરાવે તો ડીસ્કવોલીફાઈ તેવો નિયમ છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે આ વખતે ખર્ચની મર્યાદા વધારીને 95 લાખ નિયત કરવામાં આવી હતી.

 રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આ વખતે 9 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ ખેલાયો હતો. જેમાં મુખ્ય જંગ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પરેશ ધાનાણી વચ્ચે ખેલાયો હતો. આ ઉપરાંત ચમન સવસાણી (બસપા) પ્રકાશ સિંધવ (અપક્ષ) ભાવેશ આચાર્ય (અપક્ષ) નયનકુમાર ઝાલા (અપક્ષ) નિરલ અજાગીયા (અપક્ષ) જીજ્ઞેશ લોહાર (અપક્ષ) અને ભાવેશ પીપળીયા (અપક્ષ)એ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. હવે આવતીકાલે ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રા તમામ ઉમેદવારો પાસેથી ખર્ચના હિસાબો લેશે.

♦તમામ વીવીપેટમાંથી થર્મલ પેપર રોલ કઢાયા

♦સુપ્રિમ કોર્ટના આદેશના પગલે મામલતદારો-સ્ટાફ દ્વારા કામગીરી

રાજકોટ તા.1
 રાજકોટના માધાપર સ્થિત ઈવીએમ વેરહાઉસમાં સુપ્રિમ કોર્ટની સુચના મુજબ આજે રાજકોટ લોકસભા બેઠકના તમામ વીવીપેટમાંથી થર્મલ પેપર રોલ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.

 તમામ તાલુકા મામલતદારો અને સ્ટાફની ઉપસ્થિતિમાં વીવીપેટમાંથી થર્મલ પેપર રોલ દુર કરી આ અંગે રીપોર્ટીંગ કરવામાં આવ્યું હતું. અહીં એ ઉલ્લેખનીય છે કે વીવીપેટના આ થર્મલ પેપર રોલ જો કોઈને જોતા હોય તો સાત દિવસના ગાળામાં અરજી કરવાની હોય છે.  આ માટે એક બુથ દીઠ રૂા.40 હજારનો ચાર્જ નિયત કરવામાં આવેલ છે. પરંતુ રાજકોટ લોકસભા બેઠકના આ થર્મલ પેપર રોલ મેળવવા માટે એક પણ ઉમેદવારો જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી ન હતી.

 

 

 

 

Print