www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તા.25 સુધી સુરેન્દ્રનગર જીલ્લામાં આકરા તાપની ચેતવણી


હીટવેવને અનુલક્ષીને ચાલુ કન્સ્ટ્રકશન સાઇટ, મનરેગા સાઇટ, અન્ય જયાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઇટ ઉપર બપોરે 12 થી 4 સુધી કામગીરી ન લેવા સૂચના જારી

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 23
સ્ટેટ ફોરકાસ્ટ મુજબ આગામી પાંચ દિવસ સુધી સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત તથા વલસાડ સહીતનાં જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને હીટવેવની વિપરીત અસરોથી બચાવવા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવા સાથે રાહતનાં પગલાનું આયોજન કરવામાં આવ્યું છે.

શારીરિક શ્રમનો વધુ ઉપયોગ હોય તેવા કાર્યો કરતા લોકોને હીટવેવની વિપરીત અસર થવાની વધુ સંભાવના ધ્યાને રાખતા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા શ્રમિકોને હીટવેવની સંભવિત અસરોથી રક્ષણ આપી શકાય તે માટે જરૂરી સૂચના-માર્ગદર્શન આપવામાં આવ્યા છે. 

સ્ટેટ ફોરકાસ્ટ અનુસાર આગામી તા.25/05/2024 સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈને જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ દ્વારા હીટવેવથી થતી વિપરીત અસરો નિવારી શકાય તે અર્થે ‘હીટ એક્શન પ્લાન’ મુજબ અમલવારી થાય તે અંગે તકેદારી રાખવા તેમજ શ્રમિકોને હીટ સ્ટ્રોકથી રક્ષણ માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

કલેકટરશ્રીએ હીટવેવને ધ્યાને રાખીને હાલમાં ચાલુ કન્સ્ટ્રકશન સાઈટ, મનરેગા સાઈટ તથા અન્ય જયાં શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઈટ પર બપોરે 12 થી 4 સુધી કામગીરી લેવામાં ન આવે તથા આ સમય બાબતે તેઓનું વેતન કપાત કરવામાં ન આવે તે બાબત સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા છે. 

 

Print