www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરતના બનાવટી નોટ પ્રકરણમાં ખુલાસો

સૂત્રધાર અગાઉ પણ બોગસ નોટ છાપતા પકડાયો હતો: હવે ગોરખધંધો છુપાવવા ‘ન્યુઝચેનલ’ શરૂ કરી


9.36 લાખની નકલી નોટો જપ્ત: અત્યાર સુધીમાં કેટલી નોટો વટાવી? તપાસ

સાંજ સમાચાર

સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં સાપ્તાહિક અખબાર અને ન્યુઝ ચેનલની આડમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું હતું. આ વેપલો કરનારા ત્રણ આરોપીઓને 9.36 લાખની બનાવટી નોટ સાથે સુરત પોલીસની એસઓજી બ્રાન્ચે ઝડપી પાડયા હતા. મુખ્ય આરોપી 9 વર્ષ પહેલાં પણ ઝારખંડ ખાતે નકલી ચલણી નોટોના આરોપસર ઝડપાઈ ચૂકયો હતો અને બે વર્ષ સુધી જેલની હવા ખાધા બાદ જામીન પર મુક્ત થયો હતો.

સુરત શહેરમાં નકલી નોટનો વેપલો ચાલતો હોવાની ગંધ આવતા લિંબાયતમાં રહેતા અને લોકલ ન્યુઝ ચેનલ અને સાપ્તાહિક અખબાર ચલાવતો એક શખ્સ તેના મળતીયાઓ મારફતે બનાવટી ચલણી નોટો છાપીને આસપાસના વિસ્તારોમાં આ નોટો વટાવી રહ્યો છે.

આ બાતમીને પગલે આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. લિંબાયતના જ મારૂતીનગર ખાતે આવેલા સરદારનગરમાં પહેલા માળ પર આવેલી ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાંથી (1) ફિરોઝ સુપડુ શાહ (ઉ.વ.46)ને ઝડપી પાડયા હતા. તેમની ન્યુઝ ચેનલની ઓફીસમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો છાપવાનું મીની કારખાનુ મળી આવ્યું હતું.

દરોડાની કાર્યવાહી દરમિયાન 9,36,100ની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા પેપર નંગ-3110, એક કલર પ્રિંટર, કટર મશીન નંગ-2, લીલા રંગની શાહી વાળી બોલપેન અને ઈન્ક બોટલ, ન્યુઝ ચેનલનું પ્રેસ આઈકાર્ડ, ચેનલમાં ઈન્ટરવ્યુના માઈક નંગ-4 સહીતનો મુદામાલ કબ્જે લીધો હતો.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ફિરોઝ સુપડુ શાહની પુછપરછ કરતાં તે અગાઉ સને 2015માં ઝારખંડ મુકામે ધનબાદ ખાતે બનાવટી ચલણી નોટો લેવા માટે ગયો હતો. ત્યાં પોલીસે તેને 35000ની બનાવટી ચલણી નોટો સાથે પકડી પાડયો હતો. આ કેસમાં ફિરોજ બે વર્ષ જેલમાં રહ્યો હતો અને પછી હાઈકોર્ટમાંથી જામીન મેળવી બહાર આવી ગયો હતો.

ત્યારબાદ બે વર્ષ પહેલા વ્યાજ વટાવ અંગેનું લાયસન્સ પણ લીધું હતું પણ તેમાં રૂપિયા ડુબી ગયા હતા. એટલે પછી પોતાની ન્યુઝ ચેનલ છ મહિના પહેલા શરૂ કરી હતી. પોલીસ હાલમાં આ ત્રણેય આરોપીઓની સખત પુછપરછ હાથ ધરી છે. વધુ ખુલાસા થાય તેવી શકયતાઓ પોલીસ જોઈ રહી છે.

Print