www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જેતપુરમાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવાન પર સસરાનો છરીથી હુમલો


પત્નીને તેડવા ગયેલાં આકાશ પરમારને સળિયાનો ઘા ઝીંક્યો બાદ છરી ઝીંકી: યુવકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો: પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.14
જેતપુરમાં પ્રેમ લગ્નનો ખાર રાખી 22 વર્ષીય યુવક પર સસરાએ લોખંડના સળિયાથી અને છરીથી હુમલો કરતાં લોહીલુહાણ થઈ ગયો હતો. યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે નવાગઢમાં દાસીજીવણપરામાં રહેતાં આકાશભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત કેશુ સોલંકી (રહે. જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કડીયાકામ કરે છે. તેમને ભરત સોલંકીની પુત્રી રીમા સાથે દોઢેક વર્ષ પહેલા લવ મેરેજ કરેલ છે. દોઢેક મહિના પહેલા તેમની પત્નિ સાથે સામાન્ય બોલાચાલી થતા તેમની પત્નિ તેઓને મુકી રીસામણે તેના પિતાના ઘરે જતી રહેલ હતી. 

બાદમાં વીસેક દીવસ પહેલા તેઓ તેમની પત્નીને  ગુંદાળા ગામે ફઈજી સાસુના ઘરે મળેલ હતા. ત્યાં તેમની પત્નિએ કહેલ હતુ કે, હું હવે તમારી સાથે આવવા માંગુ છું. જેથી ગઈ તા.12 ના સાંજે તેઓ ગુંદાળા પત્નિ તેડવા ગયેલ અને બન્ને વીરપુર ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાયેલ હતા.

બાદમાં સવારે એકાદ વાગ્યે તેણીને ગોંડલ દરવાજા પાસે આવેલ તેના ઘરે મુકી આવેલ અને તેણીને સાંજના પાંચ-છ વાગ્યે તેડવા આવવાનું કહેલ હતું. બાદમાં ગઈકાલે સાંજના સમયે તેમની પત્નિને તેડવા તેના ઘરે પહોંચ્યો ત્યારે તેમના સસરા ભરત સોલંકી ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે, તું અહિં શુ કામ આવ્યો છો ? કહીં ગાળો આપી કહેલ કે, તને જાનથી મારી નાખવો છે અને લોખંડના સળીયાનો  છુટો ઘા કરતા હાથમાં ઇજા પહોંચી હતી.

ઉપરાંત તેમના સસરાએ છરીથી પણ હુમલો કરતાં માથામાં ઇજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયો હતો. બાદમાં તેમના સબંધીને ફોન કરી બોલાવ્યા હતાં અને તેમને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

Print